સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના દર્શન
Surat Ganeshotsav 2025: સુરતના કોટ વિસ્તારની એક શેરીમાં ગણેશ મંડપમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે આવતા ભક્તોને તિરુમાલામાં બાલાજી ભગવાનના દર્શન થાય તેવો અનુભવ થઈ રહ્યો છે. આ ગણેશ આયોજકોએ તિરુપતિ બાલાજી મંદિર થીમ પર બાલાજી ભગવાન સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે. વિશેષતા એ છે કે, તિરુમાલા મંદિરમાં કેવી રીતે દીવાના પ્રકાશમાં જ ભગવાનના દર્શન થાય છે, તેવી જ રીતે આ મંડપમાં પણ બાલાજી -ગણેશજીની આરતી થાય છે તેના કારણે ભક્તો અભિભૂત થઈ રહ્યાં છે.
લોકો ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે
સુરતમાં દબદબાભેર ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. તેમાં કોટ વિસ્તારના બેગમપુરા દુધારા શેરીના બાલાજી ગ્રુપ દ્વારા દર વર્ષે યુનિક થીમ પર ગણેશજીની સ્થાપના કરવામા આવે છે. આ વર્ષે બાલાજી મંદિરમાં જે રીતે સુપ્રભાત દર્શનમાં આરતી થાય તેવી થીમ રાખવામા આવી છે. ગ્રુપના સભ્ય ધર્મેશ જરીવાલા જણાવે છે કે,' સુરતમાંથી મોટી સંખ્યામાં તિરુપતિ બાલાજીના ભક્તો દર્શન કરવા માટે તિરુપતિ જાય છે, પરંતુ બધાના નસીબમાં સુપ્રભાત દર્શન હોતા નથી તેથી જે રીતે બાલાજી ભગવાનના સુપ્રભાત અને મોર્નિંગ બ્રેક વીઆઈપી દર્શન થાય છે તે થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને રોજ રાત્રીના આવી રીતે ભક્તોને દર્શન થાય છે.'
ગ્રુપના અન્ય સભ્ય બિમલ સ્વામી જણાવ્યું કે,'દર વર્ષે યુનિક થીમ પર ગણેશજીની સ્થાપના અમે ગ્રુપમાં ચર્ચા વિચારણા કરીને કરીએ છીએ. આ વર્ષે પણ અમે જુદી જુદી થીમ વિચારી હતી, પરંતુ તેમાંથી બાલાજી મંદિરની થીમ મોટા ભાગના લોકોને પસંદ આવી હોવાથી આ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામા આવી છે અને પહેલા દિવસથી જ લોકો આ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે.'
અન્ય સભ્ય કમલ દેસાઈએ જણાવ્યું કે, 'બાલાજી ભગવાન જે સ્વરૂપમાં તિરુમાલા મંદિરમાં બિરાજમાન છે તેવી જ પ્રતિમા બાલાજીની મુકવામા આવી છે અને તેમની સાથે નીચે કાળા કલરની જ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામા આવી છે. તિરુમાલા મંદિરમાં કેવી રીતે દીવાના પ્રકાશમાં જ ભગવાનના દર્શન થાય છે તેવી જ રીતે આ મંડપમાં પણ બાલાજી -ગણેશજીની આરતી કરવામા આવે છે અને તેનો લાભ ભક્તોને મળી રહ્યો છે.'
આ દર્શન કરીને ખરેખર બાલાજીના દર્શન કર્યાનો ભક્તોનો અનુભવ
બેગમપુરા દુધારા શેરીમાં બાલાજી મંદિર થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે તેના દર્શન બાદ ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. શ્રીજીના એક ભક્તે કહ્યું હતું કે, 'અમે દર વર્ષે આ જગ્યાએ દર્શન કરવા આવીએ છીએ. આ વખતે તિરુપતિ બાલાજી સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના અમારા માટે સુખદ આશ્ચર્ય હતી. જે રીતે અહી આરતી થાય છે તે જોતાં સાચે જ બાલાજી મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ થઈ છે.'
રાત્રિના 8:30 વાગ્યા પછી દર ત્રણ મિનિટે આરતી થાય છે
તિરુમાલા ખાતે આવેલા બાલાજી મંદિરમાં મોર્નિંગ બ્રેક દર્શનમાં દર ત્રણ મિનિટે આરતી થાય છે તેવા જ પ્રકારની આરતી આ મંડપમાં પણ થઈ રહી છે. તિરૂપતિમાં સવારે આરતી થાય છે જ્યારે આ મંડપમાં રાત્રિના 8:30 વાગ્યાથી દર ત્રણ મિનિટે જ્યાં સુધી ભક્તો દર્શન કરવા આવે ત્યાં સુધી આવતી કરવામાં આવી રહી છે.