Get The App

સૌરાષ્ટ્રમાં આજે 77માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી,ઠેરઠેર તિરંગાયાત્રા સંપન્ન

Updated: Aug 15th, 2023


Google NewsGoogle News
સૌરાષ્ટ્રમાં આજે 77માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી,ઠેરઠેર તિરંગાયાત્રા સંપન્ન 1 - image


ઘરે ઘરે લહેરાયા તિરંગા, સર્વત્ર દેશભક્તિનો માહૌલ  : રાજકોટનું વિંછીયા, જામનગરનું લાલપુર,મોરબીનું ટંકારા, પોરબંદરનું રાણાવાવ ખાતે તથા દ્વારકા,જુનાગઢમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન યોજાશે

 રાજકોટ, : સ્વાતંત્ર્ય વીરોની લડતના પરિપાક રૂપે 200 વર્ષથી બ્રિટીશરોની ગુલામીની ઝંઝીરમાં જકડાયેલા  ભારતને તા. 15 ઓગષ્ટ 1947ના દિવસે આઝાદી મળી હતી. 76 વર્ષ પહેલા મળેલી આ સ્વતંત્રતાને આવતીકાલે 77માં સ્વાતંત્ર્ય પર્વ દિને રાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે ઠેરઠેર તિરંગાયાત્રા સહિત કાર્યક્રમો યોજાયા હતા અને આવતીકાલે હજારો સ્કૂલો,કચેરીઓ,સંસ્થાઓ અને તમામ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા છે તો લાખો ઘરો ઉપર લોકો  દ્વારા ઉત્સાહથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. 

આજે 15મી ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ રાજકોટ,જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર તિરંગા યાત્રા ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાઈ હતી.રાજકોટમાં 100 ફૂટ લંબાઈના તિરંગા સાથે હજારો નાગરિકો જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ હતા તેઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. બહુમાળી ભવન સરદાર પટેલની પ્રતિમાથી શરુ થયેલી તિરંગા યાત્રા જ્યાં પૂર્ણ થઈ તે મહાત્મા ગાંધીજીની પ્રતિમા, જ્યુબિલી સુધી માનવ મહેરામણ ઉમટયું હતું અને માર્ગોને શણગારાયા હતા.

આવતીકાલે (1) રાજકોટ જિલ્લા કક્ષાનું ધ્વજવંદન વિંછીયામાં જસદણ રોડ પર માર્કેટ યાર્ડ સામે યોજાશે જ્યારે શહેરમાં મહાપાલિકા દ્વારા ઢેબરરોડ પર મનપા કચેરી ખાતે સવારે 9 વાગ્યે મંત્રીના હસ્તે ધ્વજવંદન થશે.જેનું આજે રિહર્સલ કરાયું હતું.  (2) જુનાગઢ જિલ્લા કક્ષાનું ધ્વજવંદન જુનાગઢમાં બીલખા રોડ પર કલેક્ટરના હસ્તે યોજાયેલ છે. (3) મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ટંકારા ખાતે યોજાશે જેમાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે. મોરબી નગરપાલિકા, તાલુકા પંચાયતો, શાળા કોલેજોમાં પણ ધ્વજવંદન યોજાયા છે. (4) દ્વારકા જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ દ્વારકા સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં ઉજવાશે જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે. (5) પોરબંદરમાં જિલ્લા કક્ષાનું સ્વતંત્રતા પર્વ રાણાવાવ વિનયન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે. આ જ રીતે અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિત તમામ જિલ્લામાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન ઉપરાંત સ્થાનિક નગરપાલિકાઓ,પંચાયત સહિત કચેરીઓ અને શાળા કોલેજોમાં ધ્વજવંદનના કાર્યક્રમો સવારે 9 વાગ્યે યોજાયેલ છે.  આવતીકાલે સ્વતંત્રતા પર્વ નિમિત્તે માર્કેટ યર્ડો, સરકારી કચેરીઓ, શાળા-કોલેજોમાં રજા રહેશે અને દિવસભર હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે, આઝાદી અમર રહો, સ્વતંત્રતા દિવસની શુભકામના એવા મેસેજો સોશ્યલમિડીયામાં વહેતા રહેશે અને દેશભક્તિના ગીતો,વાતો,સૂત્રો પણ વહેતા રહેશે.


Google NewsGoogle News