GPSCનો મોટો નિર્ણય: નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી
GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વધુ એક પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ ખેતી નિયામક, વર્ગ-1 ની પરીક્ષા રદ કરાઈ હોવા અંગે GPSC દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ, મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.
ઉમેદવારોએ કરી હતી રજૂઆત
આ નિર્ણય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. ઉમેદવારોનું કહેવું હતું કે, પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે બધા ઉમેદવારોને એકસરખી તક મળતી નહોતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અને ઉમેદવારોને સમાન તક મળે તે હેતુથી GPSC દ્વારા આ પરીક્ષા રદ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
હવે, આગામી 28 ઑગસ્ટ, 2025 ના રોજ આ બંને ભરતીની સંયુક્ત પરીક્ષા યોજવામાં આવશે. આ નિર્ણયથી ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળશે અને પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.
ગુજરાત જાહેર સેવા આયોગ હેઠળની નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1ની ભરતી ક્રમાંક 122/2024-25ની કુલ 12 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે GPSCની મદદનીશ ખેતી નિયાકમ વર્ગ-2ની ભરતી ક્રમાંક 121/2024-25ની કુલ 15 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી હતી.