ખેડૂતો માટે ફાયદાની વાત: સરકાર ટેકાના ભાવે કરશે ઘઉંની ખરીદી, રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે આપશે
Wheat Support Price : હાલમાં છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતાં ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-26’ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-26’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: બનાસ ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર, 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો
ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા 31 મે 2025 સુધી કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા ખેડૂતોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે.