પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે કહ્યું
MLA Gopal Italia On Love Marriage Law : યુવતી ભાગીને પોતાની પસંદના યુવક સાથે પ્રેમ લગ્ન કરતી હોવાની ઘટના સામે આવતી હોય છે. ઘણી વખત તેમનું લગ્ન જીવન સફળ રહે છે, તો કેટલાક કિસ્સામાં લગ્ન જીવન નિષ્ફળ જવાની પણ સંભાવના રહે છે. બીજી તરફ, દીકરીને ભગાડીને લગ્ન કરવાની ઘટનાને લઈને સમાજમાં અનેક સવાલો ઊભા થતાં હોય છે, ત્યારે પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે આગામી 30 ઓગસ્ટના રોજ AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા મહેસાણામાં મહારેલી યોજશે. અગાઉ પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાને લઈને ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ' મહેસાણામાં જે રેલી યોજાવાની છે, એ સમાજ માટે જરૂરી છે. ચર્ચા થવી જરૂરી છે. જેમાં તમામ સમાજે જોડાવું જોઈએ. આ મામલે મે વિધાનસભામાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, દીકરીને લઈને કેટલીક ઘટનાઓ બની રહી છે. જેના પર આપણે ચિંતન કરવું જોઈએ અને લોકો તેના પર સૂચના આપે જેનાથી દીકરીના હિતને ધ્યાને લેવામાં આવે તેવો પ્રયત્ન કરવો જોઈએ.'
આ પણ વાંચો: બનાસકાંઠાના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી, 10 લોકો ઈજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, અગાઉ ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને લગ્નના કાયદામાં કેટલાક સુધારા કરવાનું સૂચન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના કિસ્સાઓમાં શાળામાં ભણતી દીકરીઓને ટાર્ગેટ કરીને તેમને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. જેમાં છોકરીને 18 વર્ષની ઉંમર પૂરી થાય તેની રાહ જોવામાં આવે છે અને જેવી 18 વર્ષની ઉંમર થાય તો તેને થોડા જ દિવસમાં ભગાડવામાં આવે છે. ત્યારબાદ દીકરીના વતનથી દૂરના જિલ્લામાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર પૈસા લઈને લગ્નની નોંધણી કરી આપવામાં આવે છે. આ માટે એક આખુ ષડયંત્ર ચાલી રહ્યું છે. આજના સમય પ્રમાણે માતા-પિતા પોતાની દીકરીના લગ્ન 21-22 વર્ષની આસપાસ કરી રહ્યા છે. એવામાં સરકારે પણ કાયદામાં ફેરફાર કરીને દીકરીના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવી જોઈએ.