'સોમવારે રાજીનામું આપીએ', ગોપાલ ઈટાલિયાએ કાંતિ અમૃતિયાને બે કરોડની ચેલેન્જ સ્વીકારી
Morbi News: મોરબીમાં હજુ બે દિવસ પહેલા જ અતિશય ભંગાર રસ્તા અને સામાન્ય વરસાદે પાણી ભરાવાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ રસ્તા પર ઉતરીને રસ્તારોકો આંદોલન કરીને તંત્રને નતમસ્તક કર્યું હતું. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ લોકોના સવાલોનો ઉકેલવાને બદલે વિસાવદરમાં ભાજપને હરાવીને જીતેલા ગોપાલ ઈટાલિયા મોરબીમાં જીતે તો બે કરોડ આપું તેવી ચેલેન્જ ફેંકીને લોકોને પીડા આપતા સવાલોની મજાક ઉડાડી હતી. વળી આ ચેલેન્જને આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ સ્વીકારી લેતા રાજકીય વિવાદ જાગ્યો છે.
મોરબીના પ્રશ્નો નેવે મુકીને ધારાસભ્યનો વાણીવિલાસ
લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નેતાઓને કારણે મોરબીની પ્રજા ગળે આવી ગઈ છે અને અનેકવાર આંદોલનો કરવા પડ્યા છે. આ સ્થિતિમાં લોકોની પડખે ઊભા રહીને લોકોની પીડા હળવી કરવાનું મૂળ કામ કરવાને બદલે અમૃતિયાએ મોરબીમાં જીતે તો બે કરોડ આપવાની વાત કરી છે. ત્યારે મોટી રકમ શરતમાં આપવા તૈયાર આ નેતાએ કેટલા કરોડો રૂપિયા ક્યાંથી કઈ રીતે કમાણા છે તે સવાલ પણ જાગે છે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં કમઠાણ: પ્રદેશ પ્રમુખ કોણ બનશે..? રેસનો ઘોડો કે લંગડો ઘોડો
વાણીવિલાસ જેવી આ ચેલેન્જ સ્વીકારાતા અમૃતિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે આગામી સોમવારે વિધાનસભા અધ્યક્ષ પાસે આવીને ગોપાલ ઈટાલિયા રાજીનામુ આપે અને તે પણ રાજીનામુ આપવા તૈયાર છે. સોમવારે આ નેતાઓ રાજીનામુ આપે તો જનતાને કોઈ ફરક નથી પડતો લોકપ્રશ્ન માટે રસ્તા ઉપર ઉતરીને જનતાએ દર્શાવી દીધું છે.