કોંગ્રેસમાં કમઠાણ: પ્રદેશ પ્રમુખ કોણ બનશે..? રેસનો ઘોડો કે લંગડો ઘોડો
Gujarat Congress: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ફરી પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેચતાણ જામી છે. પાટીદાર, કોળી સહિત અન્ય સમાજના નેતાને પ્રમુખપદ આપવા રજૂઆત થઈ છે. ત્યારે જેમણે કોંગ્રેસની ઘોર ખોદી છે તે નેતાઓને જ દિલ્હીનું તેડુ આવ્યું છે, પરિણામે વિરોધનો સૂર ઉઠ્યો છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે ફરી બેઠકોનો દોર શરૂ થયો છે અને ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપાશે તે મુદ્દે રાજકીય અટકળોએ વેગવાન બની છે.
જેમણે કોંગ્રેસની ઘોર ખોદી તે નેતાઓને જ દિલ્હીનું તેડું
ગુજરાતમાં કોંગ્રેસ મૃતપ્રાય અવસ્થામાં છે ત્યારે પક્ષમાં પ્રાણ પૂરવા ખુદ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો હતો તેમ છતાંય હજુ પ્રદેશ નેતાઓની ટાંટિયાખેચ યથાવત્ રહી છે. એકહથ્થુ શાસન કરવાની પદ્ધતિ અને મહિલા પ્રેમ પ્રકરણને કારણે ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખની રેસની બહાર છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પૈસા લઈને ટિકિટ વહેંચી દેવાનો આરોપ લાગતાં જગદીશ ઠાકોરનુ કોંગ્રેસમાંથી લગભગ પત્તુ કપાયું છે. પથ્થરમારા કાંડ ઉપરાંત પાયલ ગોટી મુદ્દે ભાજપ સાથે ગોઠવણ પાડવામાં માહિર વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર હાઇકમાન્ડના હીટલિસ્ટમાં છે. આ કારણોસર તેમને પ્રમુખનો ચાર્જ નહીં લેવા દિલ્હીથી આદેશ છૂટ્યો છે. હવે તો કોંગ્રેસના ધારાસભ્યો પણ ઉપનેતાપદે જિજ્ઞેશ મેવાણીને મૂકવા દિલ્હી રજૂઆત કરી આવ્યાં છે. આ બધાય નેતાઓ પ્રદેશ પ્રમુખની નિયુક્તિની ચર્ચા કરવા દિલ્હી દોડ્યાં છે. ત્યારે કોંગ્રેસના નેતા-કાર્યકરોમાં રોષ ભભૂક્યો છે.
ભાજપ સાથે ગોઠવણ પાડતા નેતાઓને પક્ષમાં હાંકી કાઢો
હવે કોંગ્રેસમાંથી એવો વિરોધનો સૂર ઉઠ્યો છે કે, ભાજપ સાથે ગોઠવણ પાડતાં, ચૂંટણીમાં પૈસાથી ટિકિટો વહેચી મારનારા નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢો, લંગડા અને લગ્નના ઘોડા અને રેસના ઘોડાઓ અલગ તારવો પછી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરો. નહીંતર ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય ભાજપ સામે લડવા સક્ષમ નહીં હોય. યુવા અને આક્રમક નેતાને ગુજરાત કોગ્રેસની સામે લડત લડી શકે. કમાન સોંપો જે પ્રજાના પ્રશ્નોને લઈને સરકાર સામે લડી શકે. જોકે, અત્યારે તો અમીત ચાવડા, ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, વિરજી હુમર, લાલુજીદેસાઈ પ્રદેશપ્રમુખની રેસમાં ટોપ પર છે.