U.S ડોલરની લાલચ આપી LIC એજન્ટ પાસે પણ ગડ્ડી ગેંગે રૂા. 3.30 લાખ પડાવ્યા
અલથાણના યુવાન પાસે રૂા. 4.50 લાખ પડાવનાર આંતરરાજય ગડ્ડી ગેંગ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ
સુરત તા. 31 જુલાઇ 2020 શુક્રવાર
અલથાણના યુવાનને યુ.એસ ડોલર આપવાની લાલચ આપી રૂા. 4.50 લાખ પડાવી લેનાર આંતરરાજય ગડ્ડી ગેંગે માનદરવાજાના એલઆઇસી એજન્ટને પણ ડોલર આપવાની લાલચ આપી રાંદેર શાક માર્કેટ પાસે બોલાવી કહી રૂા.3.30 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવતા રાંદેર પોલીસે ફરિયાદ નોંધી ગેંગના ત્રણ ભેજાબાજોનો લાજપોર જેલમાંથી કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરી છે.
અલથાણ વિસ્તારમાં રહેતા મનિષ કમલેશ પાંડે નામના યુવાનને મની એક્સચેન્જની ઓફિસનું સરનામું પુછવાના બ્હાને વાતચીતમાં વિશ્વાસ કેળવી યુ.એસ ડોલર આપવાની લાલચ આપી રૂા. 4.50 લાખ પડાવી લેનાર આંતરરાજય ગડ્ડી ગેંગને બે દિવસ અગાઉ અઠવાલાઇન્સ પોલીસે ઝડપી પાડી હતી. છેલ્લા એક વર્ષથી સુરતમાં રહેતી ગડ્ડી ગેંગે જુન મહિનામાં માન દરવાજા એ ટેનામેન્ટ બિલ્ડીંગ નં. 5 ના રૂમ નં. 21માં રહેતા એલઆઇસી એજન્ટ રાહુલ પ્રકાશ રાણા (ઉ.વ. 22) ને પણ નિશાન બનાવ્યો હતો. રાહુલ સરથાણા મિત્રને મળવા ગયો હતો ત્યારે એક યુવાન રડતા-રડતા તેની પાસે આવી પોતાનું નામ નરેશ છે એમ કહી 20 યુ.એસ ડોલરની નોટ મને મળી છે અને બીજી નોટ રાંદેરમાં મિત્ર પાસે છે તે તમને આપી દઇશ એમ કહી મોબાઇલ નંબરની આપ-લે કરી રાંદેર શાક માર્કેટ પાસે મળવા બોલાવ્યો હતો. ભેજાબાજોની વાતમાં આવી રાહુલ નરેશને મળવા ગયો હતો. જયાં નરેશે રૂા. 4 લાખ આપે તો 20 યુ.એસ ડોલરની 1664 નોટ આપવાની લાલચ આપી હતી. પરંતુ રાહુલે રૂા. 3.30 લાખ આપશે તેવું નક્કી કરી બંન્ને છુટા પડયા હતા.
બીજા દિવસે રાહુલ તેના ભાઇ સાગર સાથે અલગ-અલગ મોટરસાઇકલ પર નરેશને ઉધના દરવાજા મળ્યા હતા. જયાંથી નરેશને બેસાડી તેઓ રાંદેર આવ્યા હતા અને નરેશે મિત્ર રાજુ સહિત બે જણા સાથે મુલાકાત કરાવી રૂા. 3.30 લાખ લઇ યુ.એસ ડોલરની નોટ દેખાય તે રીતે ગાંઠ બાંધેલા રૂમાલની પોટલી આપી ત્રણેય ભેજાબાજ ચાલ્યા ગયા હતા. શાક માર્કેટથી નીકળી રાહુલ અને સાગર થોડા અંતરે ગયા બાદ રૂમાલની ગાંઠ ખોલીને જોતા તેમાં માત્ર એક જ ડોલરની નોટ હતી અને નીચે પેપરની ગડ્ડી હતી. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયાની અરજી રાંદેર પોલીસમાં આપી હતી. દરમ્યાનમાં અઠવાલાઇન્સ પોલીસે ગેંગ ઝડપી પાડી હોવાનું જાણવા મળતા રાહુલ તુરંત જ દોડી ગયો હતો. જયાં પોલીસે ગેંગના સભ્યોના ફોટા બતાવ્યા હતા. જેમાં નરેશ તરીકેની ઓળખ આપનાર આરીફ રોહીમ અંસારી
(ઉ.વ. 30 મૂળ રહે. આરટ ગામ, તા. મનકછાર, જિ. ધુબરી, અસમ) હોવાનું જણાતા આ અંગે રાહુલે ફરિયાદ નોંધાવી હતી.