Get The App

અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, 26 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, 26 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે 1 - image


Navratri 2025 : નવરાત્રિમાં ખેલૈયાઓની અવરજવરના લીધે રાત્રે એક બે વાગ્યે પણ રસ્તા પર સાંજના આઠ વાગ્યા જેવો ટ્રાફિક જોવા મળે છે. ખાસ કરીને શહેરની ભાગોળે મોટા પાયે કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય રાત્રે સાધન ન મળતાં તેમજ મોંઘા ભાડા હોવાથી ગરબાના સ્થળેથી આવજા કરવામાં લોકોને મુશ્કેલી પડે છે. ત્યારે નવરાત્રિ ટાળે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જેથી નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 26 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જે 1 ઑક્ટોબર સુધી લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયા અને ગરબાપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. 


આ પણ વાંચો: ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા

નોંધનીય છે કે આ વર્ષે આ વર્ષે નવરાત્રિમાં મંડળી ગરબા સહિતના આયોજનોના કારણે મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપી દેવાઈ છે. ખેલૈયાઓની અવરજવરના લીધે રાત્રે રસ્તા પર જાણે વાહનોનું કીડીયારું ઉભરાય છે. મોડી રાતે પણ સાંજના સાત-આઠ વાગ્યા જેવો ચક્કાજામ સર્જાય છે. જેથી લોકોને કલાકો ટ્રાફિકમાં ફસાવાનો વારો આવે છે. આ વર્ષે મોટા ભાગના ગરબાના આયોજનો રિંગરોડ પાસેના પાર્ટી પ્લોટમાં થઈ રહ્યા છે. ત્યારે રાત્રે શહેરી વિસ્તારમાંથી ગરબાના સ્થળ સુધી આવજા માટે પરિવારોને સાધન નહીં મળતાં તેઓ પરેશાન થઈ જાયછે. તેમજ રિક્ષા, ટેક્સીના તોતિંગ ભાડાં ચૂકવવા પડે છે. 

પરિણામે રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલે બે-ત્રણ વાગ્યા સુધી મેટ્રો રેલ, એએમટીએસ અને બીઆરટીએસ બસ દોડાવવા ખેલૈયાઓમાંથી માંગ ઉઠી હતી. જેથી તેઓ ટ્રાફિક, અકસ્માતની ચિંતા વગર નવરાત્રિનો આનંદ માણી શકે. આમ તો છેલ્લાં બે વર્ષથી નોરતામાં મેટ્રોનો સમય વધારાય છે. પરંતુ આ વર્ષે છેલ્લી ઘડીએ નિર્ણય લેવાયો છે. 

Tags :