ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા
Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 15થી 17 નવા તાલુકાઓની રચના થઈ શકે છે. આજે (24 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઇ શકે છે.
આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ લોકાભિમુખ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં સુધારો કરશે. નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે.
જો આ નિર્ણય અમલમાં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ પગલાને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.