જયરાજ સિંહ જાડેજા સામે ગંભીર આરોપો મૂકતાં ગોંડલ વિહિપના પ્રમુખે રાજીનામુ ધર્યું
Gondal VHP Chief Resign: ગોંડલ-રીબડાના જૂથો અને પાટીદાર નેતાઓ વચ્ચે છાશવારે સંઘર્ષો ચાલ્યા કરતા હોય છે અને હવે ખુદ ભાજપ સમર્થિત હિન્દુ સંસ્થાઓ પણ પૂર્વ ધારાસભ્યના પ્રેસરમાં આવી ગયાની ગંભીર ઘટના બહાર આવી છે. ગોંડલના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડીયાએ જયરાજસિંહની હેરાનગતિ, સતત કરાતા દબાણથી ત્રાસીને VHPમાંથી રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચોઃ OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી
VHP શહેર પ્રમુખનો ગંભીર આરોપ
આ અંગે પિયુષ રાદડીયાએ જણાવ્યું કે, મને પ્રમુખ પદેથી હટાવવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગોંડલમાં VHP અને આર.એસ.એસ.માં વર્ષોથી સક્રિય ધર્મેન્દ્ર રાજાણી ઉપર દબાણ કરે છે અને રાજકીય કાવાદાવા કરીને હનુમાન જયંતિ જેવા ધાર્મિક પર્વમાં પણ રાજકારણ ઘુસાડે છે. આવા દબાણો વચ્ચે પણ અમે સનાતન ધર્મનું કામ ચાલુ રાખ્યું તો ખોટી ફરિયાદોથી ત્રાસ ગુજાર્યો. અમે આ કાવાદાવાને વશ ન થયા પરંતુ, હું ગોંડલ વિહિપના અધ્યક્ષ તરીકે રહેવાથી અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પણ માનસિક, પારિવારિક, ધંધાકીય ક્ષેત્રે હેરાનગતિ કરાય છે તેથી આ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.
ભાજપના શાસનમાં હિન્દુવાદી સંસ્થાને હેરાનગતિ
તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે, ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગદળ જેવી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કામ કરી નથી શકતી. આ રાજીનામાંથી હિન્દુ સમાજમાં પણ પ્રત્યાઘાતો પડ્યા છે. રાજ્યમાં ભાજપના સનાતન ધર્મની વાત કરતા નેતાઓના રાજમાં પણ વિહિપ જેવી સંસ્થાઓને હેરાનગતિ થઈ રહ્યાનું ખુલ્લુ પડ્યું છે.