'પોલીસે જ ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું', ગોંડલમાં સગીર પર હુમલા બાદ પાટીદાર સમાજમાં રોષ, શનિવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું
Gondal Minor Beaten Case Update: ગોંડલમાં સગીર પર થયેલા હુમલા બાદ પાટીદાર સમાજ રોષે ભરાયો છે. પાટીદાર આગેવાનોએ આરોપીઓનો જાહેર વરઘોડો કાઢી સરભરા કરવાની માંગ કરી છે, તેમજ પોલીસના કારણે ગોંડલમાં ગુંડારાજ ચાલી રહ્યું છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. આ સિવાય પોલીસને શનિવાર સુધીનો સમય પણ આપ્યો છે. જો ત્યાં સુધીમાં કાર્યવાહી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે.
છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં
સગીર પર હુમલાને લઈને ગોંડલમાં જેલ ચોક પટેલવાડી ખાતે બુધવારે (19 માર્ચ) રાત્રે મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો ભેગા થયા હતાં. આ બેઠકમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે, અમે છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છીએ. આ વખતે પીછેહઠ કરવામાં નહીં આવે. જરૂર પડશે તો ગાંધીનગર સુધી જઈને લડત આપીશું.
પોલીસે ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું
આ સિવાય પાટીદારોએ પોલીસને આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવાની પણ માંગ કરી હતી. જો માંગ પૂરી નહીં થાય તો ગોંડલમાં અડધો દિવસ બંધ પાળવામાં આવશે. આ બેઠકમાં સમાજના આગેવાન રાજેશ સખિયાએ પોલીસ સામે આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું કે, આ આરોપીઓ અનેક ગુના કરે છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારને બળ ક્યાંથી મળે છે એ તમામ જાણે છે. પોલીસે જે અન્યાય અને ગુંડાગીરીનું સામ્રાજ્ય અહીં ઊભું કર્યું છે એવું બીજે ક્યાંય જોવા નથી મળતું. પોલીસના કારણે જ ગુંડાગીરી વધી છે. ગોંડલના પોલીસ જ મોટા આરોપી છે. ત્યારે હવે આપણે આનો વિરોધ કરીને બતાવી દઇશું અને એક છાપ ઊભી કરવાની છે કે, લેઉઆ પટેલ સમાજના યુવાન પર હાથ ઉપાડવો હોય તો 100 વાર વિચારવું પડે.
આ મામલે પોલીસને આરોપી સામે 307ની કલમ હેઠળ ગુનો દાખલ કરવા કહ્યું હતું. તેમજ બંને આરોપીઓએ લુણીવાવમાં સરકારી જમીન પર દબાણ કર્યું છે, તે માટે લેન્ડગ્રેબિંગનો ગુનો પણ દાખલ કરવાની માંગ કરી હતી.
પોલીસની બેવડી નીતિ
નોંધનીય છે કે, અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંક બાદ એકબાજું પોલીસે અસામાજિક તત્ત્વોને ડામવાનું બીડું ઝડપ્યું છે. ત્યાં બીજી બાજું ગોંડલમાં સગીર પર અત્યાચાર મામલે પોલીસની નબળી કામગીરીને કારણે સમગ્ર તંત્ર પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સિવાય પોલીસ પર જ આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે, ગોંડલમાં અસામાજિક તત્ત્વોનો આતંક પોલીસની રહેમનજર હેઠળ જ થઈ રહ્યાં છે. ત્યારેસ પોલીસની બેવડી નીતિ સામે સમગ્ર પાટીદાર સમાજ રોષે ભરાયો છે.
શું હતી સમગ્ર ઘટના?
ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક સગીરને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે મયુરસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ ઝાલા તથા મિત્ર ક્રિકેટ કોચ મયુરસિંહ સોલંકીએ ધોકા વડે બેરહેમીથી માર માર્યો હતો. જેથી પીઠ, હાથ, પગમાં ગંભીર ઇજાઓ પંહોચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ વિશે ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પિતાને ફોન કરતાં સગીરના માતા-પિતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યારે પણ સગીરને ક્રૂરતા પૂર્વક લાકડાના ધોકાથી માર મારી રહ્યા હતા. આ લોકોને અટકાવવા માટે તેમના પિતા ત્યાં પહોંચ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો. સગીરની માત જ્યારે વચ્ચે પડી તો તેમની ચૂંદડી ખેંચીને ધક્કો મારી નીચે પછાડી દેવામાં આવી અને તેને પણ ઢીકાપાટુ મારવા લાગ્યા. બાદમાં વધુ લોકો એકઠા થતાં આરોપીઓ ત્રણેયને જાનથી મારી નાંખવાથી ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતાં.