Gujarat

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્થાનું હતું કેન્દ્ર

By GS TEAM
18 Mar 20262 mins read
TukuTouch Logo
આ તોતિંગ વૃક્ષ કુદરતી રીતે જ વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. વૃક્ષનો એક મોટો હિસ્સો મુખ્ય ગોંડલ-જેતપુર હાઈવે પર પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્થાનું હતું કેન્દ્ર

Gondal News : ગોંડલ શહેરની શાન અને હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત પ્રતીક ગણાતું 500 વર્ષ જૂનું ઐતિહાસિક આંબલીનું વૃક્ષ ગત મોડી રાત્રે કડાકાભેર ધરાશાયી થયું છે. જેલ ચોક પાસે આવેલી 'બાવા હબશ પીરની આંબલી' તરીકે ઓળખાતું આ વિશાળકાય વૃક્ષ રાત્રે અઢી વાગ્યાના સુમારે અચાનક નમી પડ્યું હતું. સદનસીબે, મધરાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે, જેને લોકો પીરબાપાનો ચમત્કાર માની રહ્યા છે.

વૃક્ષના બેભાગ અડધું જેતપુર રોડ પર, અડધું ભોજરાજપરામાં

આ તોતિંગ વૃક્ષ કુદરતી રીતે જ વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. વૃક્ષનો એક મોટો હિસ્સો મુખ્ય ગોંડલ-જેતપુર હાઇવે પર પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. જ્યારે બીજો હિસ્સો ભોજરાજપરા વિસ્તાર તરફ પડ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને PGVCLની ટીમે તાત્કાલિક વીજ પુરવઠો કાપી નાખ્યો હતો, જેથી કોઈ શોર્ટ સર્કિટની દુર્ઘટના ન સર્જાય. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત

શ્રીફળ, પેંડા અને ચોકલેટની માનતા

આ માત્ર એક વૃક્ષ નહોતું, પણ ગોંડલના લોકોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર હતું. અહીં 'હજરત બાવા હબશ પીર'ની પવિત્ર જગ્યા આવેલી છે. વર્ષોથી અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો એકસાથે દર્શનાર્થે આવે છે. લોકો અહીં પોતાની બાધા-આખડી પૂરી કરવા શ્રીફળ, પેંડા અને ચોકલેટની માનતા રાખતા. દર ગુરુવારે અહીં વિશેષ પ્રસાદી ચડાવી નાના બાળકોને વહેંચવામાં આવતી. દર વર્ષે જાન્યુઆરીમાં અહીં ભવ્ય ઉર્સ (મેળો) ભરાતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા.

મોટી દુર્ઘટના ટળી

જેલ ચોક વિસ્તાર હંમેશા ટ્રાફિકથી ધમધમતો રહે છે. જો આ 500 વર્ષ જૂનું વૃક્ષ દિવસના સમયે ધરાશાયી થયું હોત તો અનેક વાહનો અને રાહદારીઓ તેની ઝપટે ચડી ગયા હોત. પરંતુ રાત્રે 2:30 વાગ્યે આ બનાવ બનતા કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિકો માની રહ્યા છે કે, પીરબાપાએ પોતે જ પોતાની જગ્યા પર આ સંકટ ઝીલી લીધું અને શહેરને મોટી જાનહાનિથી બચાવી લીધું.