અનિરુદ્ધ સિંહ રીબડાના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનારા બે શખસની UPથી ધરપકડ, હવે હાર્દિકસિંહની શોધખોળ શરૂ
Gondal Firing Case: રાજકોટના ગોંડલમાં 24 જુલાઈએ અનિરૂદ્ધસિંહ રીબડાના 'રીબડા પેટ્રોલિયમ' પર બે શખસો દ્વારા ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે, હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. જેમાં હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને પોતે ફાયરિંગ કરાવ્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે, હાલ રાજકોટ પોલીસે ફાયરિંગ કરનારા બંને આરોપીઓની યુપીથી ધરપકડ કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી લીધી જવાબદારી
મળતી માહિતી મુજબ, હાર્દિકસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. જેમાં તેણે કબુલ્યું હતું કે, આ ફાયરિંગ તેણે જ કરાવ્યું છે. વીડિયો સામે આવતાની સાથે જ પોલીસની બે અલગ-અલગ ટીમોએ તેની તપાસ હાથ ધરી હતી. જેમાં રાજકોટ રૂરલ LCBની ટીમે ફાયરિંગ કરનાર બંને વ્યક્તિને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા છે. પરંતુ, વીડિયો બનાવનાર વ્યક્તિ હજુ સુધી ફરાર છે.
આ પણ વાંચોઃ વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ
![]() |
હાર્દિકસિંહ જાડેજા |
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ પણ કબૂલ્યું કે, તેમણે હાર્દિકસિંહ જાડેજાના કહેવા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ બંને ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ જતા રહ્યા હતા. હાલ પોલીસને હાર્દિક દ્વારા બનાવવામાં આવેલો વીડિયો પણ ગુજરાત બહારનો હોવાની આશંકા છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ બંને ફાયરિંગ કરનાર બંને આરોપીની પૂછપરછ કરી હાર્દિકસિંહ જાડેજાને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જોકે, હજુ સુધી એ માહિતી નથી મળી કે, હાર્દિકસિંહ જાડેજાએ આ ફાયરિંગ કેમ કરાવ્યું? ફાયરિંગ પાછળનું કારણ શું હતું અને બાદમાં તેણે જાતે જ વીડિયો બનાવીને તેની કબૂલાત કેમ કરી? પોલીસે આ બધા જ પ્રશ્નોના જવાબ શોધવા માટેની તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને રીબડા ગામે પેટ્રોલ પમ્પ ધરાવતા જયદીપસિંહ જાડેજાની માલિકીના રીબડા પેટ્રોલિયમમાં ફિલરમેન તરીકે નોકરી કરતા જાવેદ ખોખર નામના યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહ્યું હતું કે, 24 જુલાઈની રાત્રે આઠ વાગ્યે નોકરી પર આવ્યો હતો અને મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ હાજર હતા. મોડી રાત્રે વાહનો ઓછા આવતા હોવાથી પેટ્રોલ પંપની ઓફિસમાં આવી ગયા હતા. જ્યાં બન્ને આરામ કરતા હતા, ત્યાં રાત્રે એક વાગ્યાની આસપાસ અચાનક ઓફિસના કાચ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેની ગોળી કાચ ફોડીને સીધી ઓફિસમાં અંદર મંદિરના ખૂણામાં લાગી હતી. ગોળીનો અવાજ સાંભળતાની સાથે તરત જ અમે ઊભા થઈને ઓફિસના દરવાજે આવ્યા તો જોયું કે, બાઇક પર મોઢે રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખસો હતા. આ બંને શખસોએ અમારા સામે બંદૂક તાકી એટલે અમે ગભરાઈને ઓફિસની અંદર આવી ગયા. બાદમાં ફાયરિંગ કરનાર બંને શખસો પોતાનું બાઇક લઈને ભાગી ગયા.
ત્યાર બાદ મેનેજર જગદીશસિંહે પેટ્રોલપંપના માલિક જયદીપસિંહ જાડેજા તથા રીબડા ગામના સત્યજીતસિંહ જાડેજાને ફોન કરીને બનાવની જાણ કરતા બંને પેટ્રોલ પમ્પ ખાતે દોડી આવ્યા હતા. તેમણે ઓફિસ ખોલીને જોયું તો દરવાજા પાસે ગોળી પડી હતી અને બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખુ જોવા મળ્યું હતું. સદનશીબે ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી.
ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસે બીએનએસની કલમ 109 અને 54 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ સિવાય એલસીબી, એસઓજી સહિતની ટીમે પણ અલગ-અલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.