મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ
Mahisagar Crime: મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલી ઐતિહાસિક દરિયાઈ પીર દરગાહને તસ્કરોએ નિશાન બનાવી છે. તસ્કરો દરગાહ પરથી આશરે 400 ગ્રામ વજનનો અને ₹15.30 લાખની કિંમતનો સોનાનો કળશ ચોરી ગયા છે. આ ઘટના ઈદના દિવસે જ પ્રકાશમાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ દરગાહના સંચાલકોએ તાત્કાલિક વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક સ્થળોની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે.
અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા અમદાવાદના સરખેજ રોઝા ખાતે પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે પણ તસ્કરોએ સોનાનો કળશ ચોર્યો હતો, પરંતુ પોલીસની સક્રિયતાને કારણે આરોપીઓ ઝડપાઈ ગયા હતા અને ચોરીનો મુદ્દામાલ પણ પાછો મળ્યો હતો. વીરપુર પોલીસે પણ આ ગુનાનો ઉકેલ લાવવા માટે ટેકનિકલ અને માનવસંસાધનોનો ઉપયોગ કરીને તપાસ ચલાવી રહી છે. આશા છે કે, પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરશે.