જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેઈન સેરવી ગયા ચોર, પોલીસ તપાસ શરૂ

Jamnagar News: જામનગરના શરૂ સેક્શન રોડ પર આવેલા પટેલ વાડી વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ચોરીની ઘટના સામે આવી છે. મહાપ્રસાદ વિતરણ દરમિયાન ભારે ભીડનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ 6 મહિલાઓના ગળામાંથી 4.45 લાખ રૂપિયાની 6 સોનાની ચેઈનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
કથામાં ભીડનો લાભ લઈ તસ્કર ગેંગ સક્રિય
મળતી માહિતી અનુસાર, આ બનાવ 29મી ઓક્ટોબરના રોજ શ્રીમદ ભાગવત કથાના સ્થળે મહાપ્રસાદના આયોજન દરમિયાન બન્યો હતો. કથામાં આવેલા મોટી સંખ્યામાં નગરજનો પ્રસાદી લઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે ભીડ હોવાથી તસ્કર ગેંગ સક્રિય થઈ હતી અને છ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન સેરવીને ફરાર થઈ ગયા હતા.
સીસીટીવીના આધારે તપાસ શરૂ
એકસાથે આટલી 6 મહિલાઓના ગળામાંથી સોનાના ચેઈન સેરવી લેવાયાની ઘટનાને લઈને કથા સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી અને ભક્તોમાં ડર ફેલાયો હતો. આ ઘટના અંગે ભોગ બનેલી મહિલાઓએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. મહિલાઓની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસે કથા સ્થળે લગાવાયેલા જુદા જુદા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી તસ્કર ગેંગની ઓળખ થઈ શકે અને તેમને ઝડપી શકાય. નોંધનીય છે કે, ધાર્મિક કાર્યક્રમની પવિત્રતા વચ્ચે બનેલી ચોરીની આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યાં છે.

