સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા

Bharimata Temple Surat : સુરતના તાપી નદી કિનારે આવેલા 500 વર્ષ જુના ભરીમાતા મંદિરમાં ભક્તોને બરકતનો સવા રૂપિયો આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ હાલ ડીજીટલ યુગમાં પચ્ચીસ પૈસા મળવા મુશ્કેલ છે તેવામાં વર્ષોથી ચાલતી પરંપરા ટકાવી રાખવા માટે મંદિરના પુજારીઓ દ્વારા પચ્ચીસ પૈસાનો સિક્કો મેળવવા માટે છથી સાત રૂપિયા ખર્ચવા પડે છે. આ સાથે ભક્તો જ પચ્ચીસ પૈસાનો સિક્કો લાવે તેવો આગ્રહ પણ કરવામા આવી રહ્યો છે. કાતરક માસમાં આ મંદિરે મુળ સુરતીઓ માટે આ મંદિર શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક બની જાય છે. પોતાનો પરિવાર હર્યોભર્યો રહે તે માટે પાણી ભરેલો ઘડો મૂકીને પોતાની માનતા રાખે છે અને મહિલાઓ મોટી સંખ્યામાં પૂજા માટે આવે છે.
5જી નેટવર્કના જમાનામાં આજના યંગસ્ટર્સે પચ્ચીસ પૈસા, પચાસ પૈસાના સિક્કા નિહાળ્યા નથી. પરંતુ હજી પણ સુરતના ભરીમાતા મંદિરમાં ભક્તોને શુકન (બરકત) માટે સવા રૂપિયો આપવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે. હાલ ચલણમાં 25 પૈસા ચાલતા નથી, પરંતુ ભક્તોના દિલમાં આ બરકતી સવા રૂપિયા અંગે ભારે શ્રધ્ધા છે તેથી ચલણમાં ન હોવા છતાં શ્રદ્ધાળુઓ શોધી શોધીને 25 પૈસાનો સિક્કો લાવે છે. આ સિક્કા સાથે એક રૂપિયાનો સિક્કો રાખીને સવા રૂપિયો માતાજીને ધરાવે છે અને તેની પૂજા કર્યા બાદ આ સવા રૂપિયો બરકત બની જાય છે અને તે પૈસા લોકો પોતાની તિજોરીમાં રાખે છે અને તેના કારણે બરકત થાય છે તેવી ભક્તોની માન્યતા છે.

મંદિરના પુજારી સ્નેહલ પંડ્યા કહે છે, આજના જમાનામાં પચ્ચીસ પૈસાનો સિક્કો મળવો મુશ્કેલ બની ગયો છે. જેના કારણે અમે ભક્તો પચ્ચીસ પૈસાનો સિક્કો લાવે તેવો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ હજુ પણ અનેક ભક્તો પાસે પચ્ચીસ પૈસાનો સિક્કો નથી અને તેઓને બરકતી સવા રૂપિયા માટે ભારે શ્રધ્ધા છે. આવા સમયે અમારે બહારથી પચ્ચીસ પૈસાનો સિક્કો મેળવવા માટે એક સિક્કાના છથી સાત રૂપિયા આપવા પડે છે. ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાને રાખીને આવો પ્રયોગ કરવો પડી રહ્યો છે.
પુજારી સ્નેહલભાઈ વધુમાં કહે છે, મૂળ સુરતી ગણાતા મોઢ વણિક, ક્ષત્રિય અને રાણા સહિત અન્ય સુરતી જ્ઞાતિના લોકો સાથે કેટલાક મહારાષ્ટ્રીયન લોકો પણ કારતક મહિનામાં માતાજીના મંદિરે ભરેલો ઘડો મુકી માતાજીની આરાધના કરે છે. લોકો પાણી ભરેલા ઘડાને લઈને મંદિરે આવે છે અને તેની પુજા કરે છે ત્યારબાદ પાણીનો ઘડો લઈને પ્રદક્ષિણા કરે છે. માતાજીના આર્શિવાદ એવા મળે છે કે જેમ પાણીનો ઘડો જેમ ભરેલો હોય છે તેમ પૂજા કરનારા ભક્તનો પરિવાર હંમેશા હર્યોભર્યો રહે છે તેવી માન્યતા છે. આ મહિનામાં હજારો ભક્તો આવે છે અને માતાજીની આરાધના કરે છે.

