વાપીના ચણોદ કોલોનીમાં બંગલામાં ચોર ત્રાટક્યા, 90 તોલા સાના-ચાંદીના દાગીના અને 5 રૂ. લાખ રોકડા ઉપાડી ગયા
Vapi News : રાજ્યમાં ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વલસાડના વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ચણોદ કોલોનીમાં શુભપુષ્ય બંગલામાંથી તસ્કરો રોકડા રૂ.5 લાખ, 40 તોલાથી વધુ સોનું અને 50 કિલો ચાંદી સહિતનો મુદ્દામાલની ચોરી કરીને ભાગી છૂટયા હતા. બંગલા માલિક સુરત સિવિલ હોસ્પિટલમાં પરિવાર સાથે સારવાર અર્થે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીના બનાવને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાપીના ચણોદ કોલોનીમાં પ્લોટ નંબર 103માં આવેલા શુભપુષ્ય નામક બંગલામાં દિલીપ ડાકલ પરિવાર સાથે રહે છે. ગત 10 જુલાઈ, 2025ના રોજ દિલીપ ડાકલ બિમારીને લઈને ઓપરેશન માટે પરિવાર સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યારે ડાકલ પરિવાર બુધવારે (23 જુલાઈ) સુરતથી પરત ફર્યા હતા, ત્યારે બંગલાનો મુખ્ય દરવાજાનો ખુલ્લો જોતાં ચોકી ગયા હતા. પરિવારજનો બેંગલામાં પ્રવેશ્યા બાદ બેડરૂમમાં માલસામાન વેરવિખેર અને કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ
પરિવારને બંગલામાંથી ચોરી થયાનું જણાતા તરત જ ઉચ્ચ પોલીસ અધિકારી અને વાપી જીઆઈડીસી પોલીસને જાણ કરાઈ હતી. બંગલામાંથી મોટા પ્રમાણમાં ચોરી થયાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી બંગલામાં તપાસ કર્યા બાદ આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચકાસણી હાથ ધરી હતી.