આઝાદીની ચળવળનું કેન્દ્ર રહેલો ગોધરાનો 108 વર્ષ જૂનો ગાંધી આશ્રમ જર્જરિત હાલતમાં
Gandhi Ashram Godhra: રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી માટે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ ગોધરામાં આવેલ 108 વર્ષ જુના ગાંધી આશ્રમની જર્જરિત હાલત સરકારને દેખાતી નથી. 1917 માં ગોધરા ખાતે ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.
ભારતની આઝાદીની લડાઇમાં આ સ્થળ ઇતિહાસની દ્રષ્ટીએ અત્યંત મહત્ત્વનું છે કેમ કે આ એ જ સ્થળ છે કે જ્યાં પાંચમી નવેમ્બર 1917માં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અભિયાનની શરૂઆત કરી હતી અને અસ્પૃશ્યતા નિવારણ સભાનું આયોજન કર્યુ હતું. તે સમયે ગોધરામાં જ વકીલાત કરતા સરદાર વલ્લભભાઇ પટેલ પણ આ સભામાં આવ્યા હતા અને ગાંધીજીના પ્રવચનથી પ્રભાવીત થયા હતા. પ્રવચન બાદ વલ્લભભાઇ પટેલે ગાંધીજી સાથે મુલાકાત કરી અને ગાંધીજી સાથે કાયમ માટે જોડાઇ ગયા હતા.
ગોધરાના આ ગાંધી આશ્રમમાં જ ગાંધીજીએ કાયમ અંગ્રજીમાં જ ભાષણ કરતા મહમંદ અલી ઝીણાને હિન્દીમાં ભાષણ કરવા માટે સૂચના આપી હતી જે બાદ આ વાતથી ઝીણાને મનદુખ થયુ હતું. અહીથી જ ભારત છોડો ચળવળનો પ્રારંભ થયો હતો. આ સ્થળે ગાંધીજીને મળવા આવનારની સૂચીમાં મામા ફડકે, મૌલાના આઝાદ, બાબુ રાજેન્દ્ર પ્રસાદ અને ઠક્કર બાપાનો સમાવેશ થાય છે. હાલમાં આ આશ્રમમાં 30 જેટલા ગરીબ વિદ્યાર્થીઓ રહે છે અને આસપાસની શાળાઓમાં અભ્યાસ કરે છે.
આશ્રમમાં ચોતરફ ગંદકીનો માહોલ છે. ઈતિહાસની સાક્ષી એવા આ આશ્રમનું રિનોવેશન કરવામાં આવે તો ગોધરામાં એક પ્રવાસન સ્થળ બની શકે તેમ છે.