Get The App

ગોધરા: SIRની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
ગોધરા: SIRની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ 1 - image


Godhra Teacher Workload Issues : પંચમહાલ જિલ્લાના ગોધરામાં SIR અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરીના ભારણને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરાના એક પ્રાથમિક શિક્ષકે અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા શિક્ષણ જગત અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

અધિકારીઓ પર માનસિક ત્રાસનો આક્ષેપ 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓ એસઆઈઆરની કામગીરી માટે મોડી રાત સુધી જાગીને મહેનત કરે છે. આમ છતાં, તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હેરાનગતિ કરવામાં આવે છે. કામગીરીના અસહ્ય ભારણ અને દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા વિનુભાઈએ અંતે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો 

એક જવાબદાર પદ પર રહેલા શિક્ષક દ્વારા વીડિયો વાઈરલ કરી જીવન ટૂંકાવવાની વાત કરવામાં આવતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો દ્વારા શિક્ષક સાથે સંપર્ક કરી સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

ધારાસભ્ય સી.કે. રાઉલજીએ આપી ખાતરી 

આ સમગ્ર મામલે શિક્ષક વિનુ બામણીયાએ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીને પણ રૂબરૂ રજૂઆત કરી હતી. જેનાં પગલે ધારાસભ્યએ શિક્ષકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ખાતરી આપી હતી. સી. કે. રાઉલજીએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા હવે BLO (બૂથ લેવલ ઓફિસર) ની કામગીરી સરળ બનાવવા માટે તેમની સાથે 'સહાયક BLO' ની નિમણૂક કરવામાં આવી છે.

વધુમાં ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં SIR અને ચૂંટણીલક્ષી કામગીરીમાં BLO એકલા નહીં રહે, પરંતુ તેમની મદદ માટે ગામના સરપંચ, નગરપાલિકાના સભ્યો તેમજ સ્થાનિક કાર્યકરો પણ સાથે રહેશે અને કામગીરીમાં સહયોગ આપશે.

Tags :