Get The App

ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ 1 - image


Godhra News: ગોધરામાં શુક્રવારે (19 સપ્ટેમ્બર) પશ્ચિમ વિસ્તારના એક સમુદાયના લોકોએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે કુલ 88 શખસો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 21 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે આજે (21મી સપ્ટેમ્બર) પોલીસ મથક પર ધમાલ મચાવનારા આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ 2 - image

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. આ ઈન્ફ્લુએન્સરને વિનંતી કરવામાં આવી હતી કે તે કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકે, જેથી શાંતિ જળવાઈ રહે.



ઈન્ફ્લુએન્સર દ્વારા આ અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર સાથે વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ કે પોલીસ તેને આ જ કારણસર બોલાવી રહી છે. આ ગેરસમજને કારણે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પાસે એકત્ર થઈ ગયું. પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસ ચોકી નંબર 4 પાસે તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં રહેલી ખુરશીઓ અને અન્ય સામાન બહાર ગટરમાં ફેંકી દીધો હતો. 

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે

ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ 3 - image

આ ઘટના બાદ પંચમહાલ પોલીસ સક્રિય થઈ અને રાત્રિ દરમિયાન જ ઓપરેશન હાથ ધરીને 21 શખસોને ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે શહેરીજનોને નવરાત્રિ દરમિયાન સુરક્ષાનો અહેસાસ થાય એવા હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. 

Tags :