Get The App

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે 1 - image


Navratri 2025 Rain Forecast : નવરાત્રિ રમવા માટે થનગની રહેલા યુવાનો માટે ગણતરીના 48 કલાકો બાકી રહ્યા છે. અને બજારમાં ખરીદી માટે યુવાનોની પડાપડી થઈ રહી છે ત્યારે હવામાનને લઈને સમાચાર ખેલૈયાઓ માટે સારા નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ બંગાળની ખાડી પર એર સાયકલોનિક સિસ્ટમ બનતા વરસાદ વરસવાની પુરેપુરી સંભાવના વ્યકત કરાઈ છે.

આગામી સોમવારથી નવરાત્રિના પ્રથમ નોરતા સાથે જ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. અને આ નવરાત્રિ પહેલા હાલ દરરોજ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેલ્યાઓ વરસાદને લઈને ચિંતિત થઈ ઉઠ્યા છે. તેમની આ ચિંતામાં વધારો કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. 

આગાહી મુજબ બંગાળની ખાડી પર એક નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી અઠવાડિયે વરસાદનો એક રાઉન્ડ આવી શકે તેમ છે. આ વરસાદ 1 ઓક્ટોબર સુધી રહે તેવી પુરેપુરી શકયતાઓ છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની પણ શકયતા છે. આમ નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદની આગાહીથી નોરતાના નવ દિવસોમાં વિઘ્ન આવી શકે તેમ છે.

સુરતમાં સતત ચોથા દિવસે મેઘમહેર 

સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનચાલકો ફસાયા હતા અને રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેતું જોવા મળ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી.

રાજ્યભરમાં 104 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે બોડેલી અને હાલોલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ, જ્યારે સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.  રાજ્યના 11 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 20 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો અને નાગરિકોને વરસાદના આગમનથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં 108 ટકાથી વધુ વરસાદ

સપ્ટેમ્બર-2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 93  ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.   

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 145 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર તેમજ 17 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 93 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.


Tags :