Godhra Demolition: પંચમહાલના ગોધરામાં અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. દશેરાના દિવસે શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો પર જેસીબી ફેરવાયું હતું. સમગ્ર કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નાગા તલાવડી વિસ્તારમાં મેગા ડિમોલેશન
આ કાર્યવાહી ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ નાગા તલાવડી વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં સરકારી જગ્યામાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 35 જેટલા કાચા-પાકા મકાનો અને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
ગંભીર ગુનાના આરોપીઓના દબાણ દૂર કરાયા
તોડી પાડવામાં આવેલા દબાણોમાં એવા શખસોના મકાનો પણ સામેલ હતા, જેમની સામે ગંભીર ગુન્હા નોંધાયેલા છે. ખાસ કરીને, ગત માર્ચ મહિનામાં ગોધરાના ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ અને ચોરી કરનાર આરોપીઓ દ્વારા આજ વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા. કુલ 8 જેટલા શખસો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમના દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
હુમલો કરનાર શખ્સો સામે પણ કાર્યવાહી થશે
જિલ્લા પોલીસ વડાએ આ કાર્યવાહીની સાથે વધુમાં માહિતી આપી હતી કે, અગાઉ ગોધરાના બી ડિવિઝન પોલીસ મથક પર હુમલો કરનાર 200 ઉપરાંત શખસોના ગેરકાયદે મકાનો અને મિલકતો પર પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તેમના મકાનોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે.


