અમદાવાદમાં પેટ ડોગની રજિસ્ટ્રેશન ફી વધારીને રૂપિયા બે હજાર કરાઈ, જાણો કેટલા રજિસ્ટ્રેશન થયા
પેટ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યુ હોય તો કોર્પોરેશન નોટિસ આપશે
Pet Dog Registration Fee: અમદાવાદમાં આ વર્ષના આરંભથી પેટ ડોગ એટલે કે પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન પ્રક્રીયા ફરજિયાત કરાઈ છે.1 ઓકટોબરથી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા પ્રતિ ડોગ રજિસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર કરાઈ છે. શહેરમાં અંદાજે 50 હજાર જેટલા પેટ ડોગ માલિકો દ્વારા રખાઈ રહયા છે. જે સામે સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર 18596 પેટ ડોગનુ રજિસ્ટ્રેશન માલિકો દ્વારા કરાવવામા આવ્યુ છે. શહેરમાં સૌથી વઘુ 3559 લેબ્રાડોર અને 1359 જર્મન શેફર્ડ પેટ ડોગની નોંધણી કરાઈ છે. પેટ ડોગની સંખ્યા સામે ઓછા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાતા કોર્પોરેશનની ટીમ હવે ઘેર ઘેર જઈ તપાસ કરશે. પેટ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકને નોટિસ આપશે.
કોર્પોરેશનની ટીમ ઘેર-ઘેર જઈ પેટ ડોગ અંગે તપાસ કરશે
રેબીસ ફ્રી અમદાવાદ શહેર-2030 માટેની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાં માટે પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવાયુ છે.
મે મહીનામાં રામોલ-હાથીજણ વોર્ડમા આવેલી રાધે રેસીડેન્સીમાં રોટ વીલર નામના પાલતુ કૂતરાંએ ચાર માસની બાળકી ઉપર હૂમલો કરતા તેનુ મોત થયુ હતુ.આ ઘટના પછી કોર્પોરેશન તરફથી શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ ડોગ રાખતા માલિકો તેમના પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરે.તેને વેકસિન અપાવે એ સહીતની અન્ય બાબતને લઈ લોકોને જાગૃત કરવા કાર્યક્રમ પણ કરાયા હતા.
આમ છતાં શહેરમાં પાલતુ કૂતરાં રાખનારા માલિકો દ્વારા પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશનને લઈ કોઈ ખાસ રસ બતાવવામાં આવ્યો નથી.31 ડિસેમ્બર સુધી પ્રતિ પાલતુ કૂતરાં દીઠ રૂપિયા બે હજાર રજિસ્ટ્રેશન ફી અમલમાં રહેશે.જે પછી ફીમાં વધારો કરાશે.