Get The App

ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ 1 - image

Godhara News: પંચમહાલના ગોધરા તાલુકાના કેવડિયા ગામમાં મંગળવારે (7 ઓક્ટોબર) એક અત્યંત કરુણ ઘટના બની છે. પરીક્ષા આપીને પરત ફરી રહેલા બે કિશોરના પાણી ભરેલા ચેકડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ બનાવને પગલે કેવડિયા અને ધોળી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ! વાવાઝોડાનો ખતરો દૂર થયો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, બંને કિશોરો પરીક્ષા આપીને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન, કેવડિયા ગામ પાસે આવેલા પાણીથી છલોછલ ભરેલા એક ચેકડેમ પાસે અચાનક એક કિશોરનો પગ લપસી ગયો અને તે પાણીમાં ખાબક્યો હતો. પોતાના સાથીને ડૂબતો જોઈને તેને બચાવવાના પ્રયાસમાં બીજો કિશોર પણ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ તે પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

મૃતકોની ઓળખ

સ્થાનિકોને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ એક કિશોરના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, અન્ય કિશોરના મૃતદેહને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યો. બંને કિશોરોના મૃતદેહ હાલ ગોધરાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક કિશોરોમાંથી એક ગોધરાના ધોળી ગામનો અને બીજો કિશોર કેવડિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ

પરિવાર પર આભ ફાટ્યું

આ દુર્ઘટનાના કારણે બંને પરિવારો પર આભ ફાટી પડ્યું છે. પરિવારજનો પોતાના વ્હાલસોયા સંતાનોને ગુમાવતા ઘેરા શોકમાં ડૂબી ગયા છે. બનાવના પગલે સ્વજનો, ગ્રામજનો અને શાળા પરિવારે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.