રીલની ઘેલછામાં ગીરના સાવજ ત્રસ્ત, 4 મહિનામાં 75 ગુનામાં રૂ. 13.30 લાખથી વધુનો દંડ વસૂલાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The Menace Of Making Gir Lion Reels : ગીરમાં સિંહ દેખાય એટલે હવે માત્ર એકાદ વ્યક્તિ મોબાઇલ નથી કાઢતી, પરંતુ ત્યાં ભેગા થયેલા મોટા ભાગના લોકો વીડિયો શૂટ કરવા લાગે છે. પરિણામે એક જ સિંહ કે એક જ ઘટનાના 10થી 20 અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આ સ્થિતિમાં માણસોની મોટા પાયે હાજરી અને ઘોંઘાટ જેવા કારણસર સિંહ જેવું પ્રાણી હેરાન થાય તે સ્વાભાવિક છે. એવી જ રીતે, ગીરના સિંહોની પજવણીની પણ અનેક ઘટનાઓ કેમેરામાં કેદ થાય છે, પરંતુ વાસ્તવિક ઘટનાઓ અનેક ગણી વધુ હોઈ શકે છે, જે કેમેરામાં કેદ થતી જ નથી.
સોશિયલ મીડિયાની રીલ અને વધતાં જતાં વન્યજીવ ગુના
ગીરનું જંગલ એ એશિયાટિક સિંહોનું છેલ્લું ઘર છે, જ્યાં સિંહદર્શન માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. પરંતુ સિંહદર્શનની આ ઘેલછા હવે ઘણી વખત પ્રાણીઓની પજવણીમાં બદલાઈ રહી છે.
- સિંહની નજીક જઈને વીડિયો બનાવવો
- સિંહની પાછળ વાહન દોડાવવું
- રાત્રે તેના પર વાહનોની લાઇટ મારવી
- સિંહને રસ્તા પરથી હટાવવા હોર્ન વગાડવા
આવી હરકતો સામે વન વિભાગે કડક કાર્યવાહી કરવી પડી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરવાની ઘેલછા આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે.
પાંચ વર્ષમાં વન્યજીવ ગુનામાં 67% નો વધારો
જૂનાગઢ વાઇલ્ડ લાઇફ સર્કલમાં વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ નોંધાયેલા કેસોના આંકડા ચિંતા ઉપજાવે તેવા છે.
- 2020-21: 85 કેસ
- 2021-22: 63 કેસ
- 2022-23: 81 કેસ
- 2023-24: 99 કેસ
- 2024-25: 142 કેસ
આમ, છેલ્લા પાંચ વર્ષમાં વન્યજીવ સંબંધી ગુનાઓમાં આશરે 67 ટકાનો વધારો થયો છે. (નોંધ: આ તમામ કેસ માત્ર સિંહની પજવણીના નથી, પરંતુ વન્યજીવ સંબંધિત વિવિધ ગુનાઓના છે.)
2026ના માત્ર 4 મહિનામાં રૂ. 13.30 લાખથી વધુનો દંડ
ગીર પૂર્વ વન વિભાગના આંકડા અનુસાર, વર્ષ 2026ના માત્ર પ્રથમ ચાર મહિનામાં જ વન અને વન્યજીવ સંબંધિત 75 ગુના નોંધાયા હતા અને રૂ. 13.30 લાખથી વધુનો દંડ વસૂલાયો હતો, જેમાં અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશના 38 કેસ નોંધાયા છે, જ્યારે વન્યજીવોના શિકાર સાથે સંકળાયેલા 8 કેસ નોંધાયા છે.
વાયરલ વીડિયોથી આરોપીઓ સામે કડક કાર્યવાહી
સિંહની પજવણીના બનાવોમાં સોશિયલ મીડિયા હવે એક મહત્ત્વનો મુદ્દો બની ગયું છે. વર્ષ 2026માં વાયરલ થયેલા વીડિયોના આધારે સિંહની પજવણી કરવા અને પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ અનેક લોકો સામે કાનૂની કાર્યવાહી કરાઈ છે.
અમરેલી વિસ્તારમાં સિંહની પાછળ બાઇક દોડાવીને વીડિયો બનાવનાર આરોપીઓ સામે પણ વન વિભાગે કડક પગલાં લીધાં હતાં. આવા બનાવોથી સિંહને માત્ર હેરાનગતિ જ નથી થતી, પરંતુ મનુષ્ય પર હિંસક હુમલો થવાનું જોખમ પણ વધી જાય છે.
સિંહોની સંખ્યામાં વધારો અને આપણી જવાબદારી
વર્ષ 2025ની સિંહ ગણતરી પ્રમાણે ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે, જે 2020માં 674 હતી. આમ, પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32.2 ટકાનો વધારો નોંધાયો છે.
સિંહો હવે ગીરના મુખ્ય જંગલની બહાર પણ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે, જેના કારણે માનવ અને સિંહનો સામસામે સંપર્ક વધવાની શક્યતા વધી ગઈ છે. આ સ્થિતિમાં સિંહને જોવો એ પ્રવાસીઓ માટે રોમાંચ હોઈ શકે, પરંતુ તેની નજીક જઈને રીલ બનાવવી એ રોમાંચ નહીં પણ પજવણી અને જોખમ બંને છે.




