અમદાવાદમાં બૂલેટ ટ્રેનની કામગીરીને લઈને ગિરધરનગર ઓવરબ્રિજ 23 દિવસ રહેશે બંધ, જાણો પ્રતિબંધિત-વૈકલ્પિક માર્ગ
Ahmedabad News : ગુજરાતના અમદાવાદમાં રોડ-રસ્તા, ગટર સહિત અનેક પ્રોજેક્ટ પર કામગીરી શરૂ રહેતી હોય છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં અમદાવાદના પૂર્વમાં આવેલા ગિરધર નગર ઓવરબ્રિજને આગામી 18 જુલાઈથી 23 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ મામલે અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રેસનોટ જાહેર કરીને જાણકારી આપી છે. બૂલેટ ટ્રેનની કામગીરીને લઈને ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
23 દિવસ બ્રિજ બંધ રહેશે
અમદાવાદ ટ્રાફિક પોલીસના જાહેરનામા મુજબ, બુલેટ ટ્રેનની કામગીરીને લઈને ગિરધર નગર ઓવરબ્રિજ 18 જુલાઈથી 10 ઑગસ્ટ સુધી બંધ રહેશે. જેમાં પોલીસે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ અને વૈકલ્પિક માર્ગ અંગે માહિતી આપી છે.
વૈકલ્પિક માર્ગ
- કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ અસારવા બ્રિજનો ઉપયોગ કરીને ડાબી બાજુ બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. તેમજ અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો પર પણ જઈ શકાશે.
- શાહીબાગ, ગિરધર નગર તરફથી આવતો ટ્રાફિક ગિરધર નગર સર્કલ કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફ જઈ શકશે. તેમજ કાલુપુર-પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકાશે.
કાલુપુર રેલવે સ્ટેશન સામેનો રોડ રહેશે બંધ
કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણની કામગીરી શરૂ છે, ત્યારે સ્ટેશનની સામેના ભાગે એલિવેટેડ રોડના નિર્માણ માટે વિવિધ કામગીરીને લઈને આગામી 31 ઑગસ્ટ સુધી સ્ટેશન સામેના રોડ પર 24થી 27 નંબરના પીલ્લર વચ્ચેનો 40 મીટર રોડ બંધ કરવામાં આવ્યો છે. જોકે, રથયાત્રાને લઈને કામગીરી સ્થગિત કરીને રોડ ખુલ્લો કરાયો હોવાથી હવે રોડ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં 14મા માળેથી કૂદીને યુવતીનો આપઘાત, વીડિયો બનાવીને પ્રેમી જ કરતો હતો બ્લેકમેલ
બીજી તરફ, કાંકરિયા મેટ્રો અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરીને લઈને ગોમતીપુર-રાજપુર ટોલનાકા રોડ પર સેન્ટ જોસેફ સ્કૂલની દીવાલથી રાજપુર ટોલનાકા ચાર રસ્તા સુધી 500 મીટરનું ડાયવર્ઝન અપાયું છે. જે આગામી ત્રણ મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.