હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતાં પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ
Ghela Somnath Controversy : રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતાં મહત્ત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર ધ્યાને આવતાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપ્યા છે.
શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતાં શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી એ ઉચિત નથી.'
આ પણ વાંચો: શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ
ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી નિર્ધારિત કરાયેલી ચૂંટણી જેવી મહત્ત્વપૂર્ણ ફરજ સિવાયની કોઈપણ અન્ય જવાબદારી રાજ્યના શિક્ષકોને ભવિષ્યમાં સોંપવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન થાય તે માટે ભવિષ્યમાં શિક્ષકોને અન્ય કોઈપણ જવાબદારી સોંપવા પૂર્વે ગાંધીનગર શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે સંકલન કરવાનું રહેશે.
આ ઘટના સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર સાથે ટેલિફોનીક વાતચીત કરીને જરૂરી કાર્યવાહી કરવા તેમજ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરાવવા સૂચના આપી હતી. સાથે જ તેમણે, ભવિષ્યમાં શિક્ષકોને અન્ય જવાબદારી સોંપતા આવા કોઈ આડેધડ પરિપત્રો ન થાય તે અંગે અગ્ર સચિવનું વિશેષ ધ્યાન દોર્યું હતું.