થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મામલે ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત
Banaskantha News : બનાસકાંઠાના થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવેના પ્રોજકેટ મામલે ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળી રહે તે માટે કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ, થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે માટે સંપાદન થતી જમીને લઈને છેલ્લા ઘણાં સમયથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. સંપાદન થયેલી જમીનના માલિક ખેડૂતોનું કહેવું છે કે, 'તેમની ફળદ્રુપ જમીનનું યોગ્ય વળતર ન મળતાં નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે.'
સમગ્ર મામલે સાંસદ ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને લેખિતમાં રજૂઆત કરીને ખેડૂતોને તેમની જમીનના બજારભાવ પ્રમાણે યોગ્ય વળતર મળી રહે તે માટે અપીલ કરી છે.
ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે, 'ભારતમાલા રોડ મંજૂર કરાયો. જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાકણી, કાંકરેજ સહિતના ખેડૂતોને લાલચ આપીને સસ્તાભાવે જમીન ખરીદી લેવાઈ છે. ભાજપના મોટા માથાઓએ થરાદ, કાંકરેજ સહિતના વિસ્તારોની 70 ટકા જેટલી જમીન ખરીદી છે. જ્યાં ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાનું અમારી સામે આવ્યું છે, ત્યારે અમે તપાસ કરતાં રોડ બનાવાની કામગીરીમાં 1500થી વધારે વિઘા જમીન ખેડૂતોની કપાઈ છે.'