જાહેરાતોનું 'ગાજર'?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી
AI Image |
Gandhinagar News: વરસાદ ખેંચાતા ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખુશ કરવા માટે અનેક મોટી જાહેરાતો કરી છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને 'સૌની યોજના' મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે. આ સાથે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ખેતી માટે વીજળીનો પુરવઠો પણે 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવશે. આ નિર્ણયોથી ખેડૂતોમાં એક નવી આશા તો જાગી, પરંતુ આ જાહેરાતોના અમલની કોઈ સ્પષ્ટ તારીખ કે સમયગાળો ન અપાતા સરકારની નીતિ પર અનેક સવાલો ઊભા થયા છે.
![]() |
AI Image |
જાહેરાત કે ફક્ત લોલીપોપ?
આ જાહેરાતોને લઈને વિપક્ષ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, સરકાર આવી જાહેરાતો કરીને માત્ર ખેડૂતો સામે 'ગાજર લટકાવે' છે. તેમણે કહ્યું કે, "ગુજરાતના 80 ટકા વિસ્તારોમાં 10 કલાક વીજળી આપવી શક્ય નથી. ખેડૂતોને માંડ 10 મિનિટ પણ લાઇટ મળતી નથી." કોંગ્રેસે તો ત્યાં સુધી માગ કરી છે કે, મુખ્યમંત્રી અને આખી કેબિનેટ જમીની હકીકતથી વાકેફ નથી.
આજે કોંગ્રેસે આ મુદ્દે દ્વારકા ખાતેની PGVCL કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે, વીજળીની ફરિયાદ નિવારણ માટે સ્ટાફ નથી હોતો, પણ વીજળી ચેકિંગ માટે તાત્કાલિક ગાડીઓ અને સ્ટાફ હાજર થઈ જાય છે. આમ સરકારે જાહેરાતો તો કરી દીધી છે, પરંતુ જ્યાં સુધી તેનો અમલ શરુ ન થાય ત્યાં સુધી આ જાહેરાતો માત્ર રાજકીય નિવેદનો બનીને રહી જશે. આ સ્થિતિમાં ખેડૂતો અને નાગરિકો હવે એ જ સવાલ પૂછી રહ્યા છે કે આ સુવિધાઓનો લાભ તેમને ક્યારે મળશે?