Gujarat

બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી લોન અપાવવાના બહાને ગઠીયાએ વેપારી પાસેથી રૂ.94,648 પડાવ્યા

By GS Team
12 Mar 20221 min read
This article was originally published on 12 Mar 2022
બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી લોન અપાવવાના બહાને ગઠીયાએ વેપારી પાસેથી રૂ.94,648 પડાવ્યા

- ગઠીયાએ રૂ.2.50 લાખની લોન માટે પ્રોસેસીંગ, ઇન્સ્યોરન્સ, જીએસટી ચાર્જના નામે ગુગલ પે એકાઉન્ટમાં જમા કરાવી હતી

( પ્રતિનિધિ દ્વારા ) સુરત,12 માર્ચ 2022, શનિવાર

સુરતના સણીયા હેમાદ ગામના કરિયાણાના વેપારીને રૂ.2.50 લાખની લોન અપાવવાના બહાને ગઠીયાએ પ્રોસેસીંગ, ઇન્સ્યોરન્સ, જીએસટી ચાર્જના નામે રૂ.94,648 ગુગલ પે એકાઉન્ટમાં જમા કરાવી લોન નહીં આપી છેતરપિંડી આચરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતના સણીયા હેમાદ ગામ રાજપુત ફળિયુમાં રહેતા 50 વર્ષીય દાલચંદભાઈ સુવાલાલ સેન કરિયાણાની દુકાન ધરાવે છે. ગત 5 ફેબ્રુઆરીના રોજ અજાણ્યાએ ફોન કરી બજાજ ફાયનાન્સ કંપનીમાંથી બોલું છું કહી લોનની ઈન્કવાયરી કરી દાલચંદભાઈને રૂ.2.50 લાખની જરૂર છે પૂછતાં દાલચંદભાઈએ હા પાડી હતી. આથી ફોન કરનારે તેમને લોન મેળવવા માટે પ્રોસેસીંગ, ઇન્સ્યોરન્સ, જીએસટી ચાર્જ પેટે ટુકડે ટુકડે રૂ.94,648 ગુગલ પે મારફતે જમા કરાવ્યા હતા. પૈસા ભરવા છતાં દાલચંદભાઈના એકાઉન્ટમાં રૂ.2.50 લાખ જમા થયા નહોતા. આથી તે તપાસ માટે અડાજણ સ્થિત બજાજ ફાઈનાન્સની લોન વિભાગની ઓફિસમાં ગયા હતા.

ત્યાં જાણવા મળ્યું હતું કે જે ગુગલ પે નંબર પર તેમણે પૈસા જમા કરાવ્યા હતા તે યુવરાજ પાટીલ નામના વ્યક્તિનો હતો અને તેવી કોઈ વ્યક્તિ ત્યાં નોકરી કરતો નહોતો. પોતાની સાથે ઠગાઈ થઈ છે તેવી જાણ થયા બાદ દાલચંદભાઈએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.