જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : ગુજરાતમાં સાયબર ફ્રોડના અનેક કેસ સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ કર્યો છે. નાઇજિરિયન ગેંગ સાથે મળીને ભારતીય લોકો સાથે છેતરપિંડી કરનારા પાંચ આરોપીને જામનગરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓએ આંગડિયા નેટવર્ક અને અનેક બેંક ખાતાઓ દ્વારા સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી નાઇજિરિયન હેન્ડલર્સને ફંડ ટ્રાન્સફર કરવામાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ કર્યો
અમદાવાદના મણિનગરના એક ઉદ્યોગપતિ નિહાર અમરજીત વર્મા (ઉં.વ.26) દ્વારા સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, એક આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાતા લોકો તેમનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ યુપેટોરિયમ મર્ક્યુરિયાલિસ લિક્વિડના ભારતીય સપ્લાયરને શોધી રહ્યા છે. જેમાં આરોપીએ ફરિયાદીને ધંધાની લાલચ આપી હતી અને દાવો કર્યો હતો કે, 'રાજસ્થાનના ભીલવાડામાં આવેલી એક ભારતીય કંપની શર્મા એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ 6,500 ડોલર પ્રતિ લિટરના ભાવે રસાયણ પૂરું પાડી શકે છે, જે પછી આફ્રિકામાં 11,000 ડોલરમાં વેચી શકાશે.'
સમગ્ર બનાવમાં આરોપી પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ પહેલા શર્મા એન્ટરપ્રાઇઝ માટે સેલ્સમેન તરીકે ઓળખાતા જયદેવ નામના વ્યક્તિ પાસેથી લેબ પરીક્ષણ માટે એક લિટર ખરીદ્યુ હતુ, જેના રૂ.5.52 લાખ ચૂકવ્યા હતા. આ પછી ફરિયાદીએ બલ્ક ઓર્ડર પેટે એડવાન્સ ચુકવણી તરીકે બીજા રૂ.27 લાખ ટ્રાન્સફર કર્યા. જોકે, ભીલવાડાની મુલાકાત લેતા ફરિયાદીને જાણ થઈ કે, આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી. આમ ફરિયાદી સાથે કુલ રૂ.32.72 લાખની છેતરપિંડી થઈ હોવાને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પાંચ શંકાસ્પદોની ધરપકડ (તમામ જામનગરના રહેવાસી)
1. અઝગર અઝીઝ પઠાણ (ઉં.વ.43)
2. અભિષેક મહેશભાઈ જોશી (ઉં.વ.26)
3. પ્રવિણભાઈ ભોજાભાઈ નંદાણીયા (ઉં.વ.30)
4. દીપ પોપટપરી ગોસ્વામી (ઉં.વ.25)
5. નીતિન બાબુભાઈ ભાટિયા (ઉં.વ.26)
મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં નાઇજિરિયન રેંકલીડરોએ રાસાયણિક વેપાર સાથે સંકળાયેલા નકલી વ્યવસાયિક દરખાસ્તો દ્વારા ભારતીય લોકોનો સંપર્ક કરીને કૌભાંડ આચર્યું હતું. ભારતીય સહયોગીઓએ ફંડ મેળવવા માટે બેંક ખાતા પૂરા પાડ્યા, પૈસા ઉપાડ્યા, નાનું કમિશન રાખ્યું અને બાકીની રકમ અનૌપચારિક નાણાં ચેનલો દ્વારા નાઇજિરિયન ગેંગને મોકલી આપવામાં આવ્યા.
કુલ રૂ.32.72 લાખની છેતરપિંડીમાંથી રૂ.27.20 લાખ નીતિન ભાટિયા દ્વારા સંચાલિત કુમાર એન્ટરપ્રાઇઝિસ નામના HDFC બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા, જેમણે પ્રવિણ નંદાનિયા સાથે મળીને રકમ ઉપાડી લીધી હતી અને દીપ ગોસ્વામીને આપી હતી. જ્યારે રૂ.9.90 લાખ BA એન્ટરપ્રાઇઝિસ હેઠળના બીજા HDFC ખાતામાં જમા કરવામાં આવ્યા હતા, જે અઝગર પઠાણ પાસે હતું. જેણે અભિષેક જોશી સાથે મળીને પૈસા ઉપાડી લીધા હતા અને ગોસ્વામીને ટ્રાન્સફર કર્યા હતા.
દીપ ગોસ્વામીએ જામનગરમાં ગેંગની કામગીરીનું સંકલન કર્યું હોવાનું સામે આવ્યું છે, નાઇજિરિયન હેન્ડલર્સ સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ગોસ્વામીને 7-10 % કમિશન મળતું હતું, જ્યારે બાકીનું ફંડ વિદેશમાં મોકલવામાં આવતું હતું.

અગાઉના ગુનાઓ અને જપ્તી
ગોસ્વામીની અગાઉ 2021માં જામનગર શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની કલમો હેઠળ નોંધાયેલા નાઇજિરિયન છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પઠાણનો ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જામનગર શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉનો રેકોર્ડ પણ છે.
દરોડામાં પોલીસે આઠ મોબાઇલ ફોન, બે ચેકબુક, એક ડેબિટ કાર્ડ અને એક સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાંચેય આરોપીઓને બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ હવે નાઇજિરિયન લિંક અને રેકેટનો ખુલાસો થયો છે, ત્યારે અન્ય સ્થાનિક મદદ કરનારાની શોધી ચાલી રહી છે.
સાયબર ક્રાઇમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ ગેંગ અનેક નકલી એકાઉન્ટ્સ અને અનૌપચારિક ટ્રાન્સફર ચેનલો દ્વારા સાયબર છેતરપિંડીથી નાઇજિરિયન ઓપરેટિવ્સને વ્યવસ્થિત રીતે નાણાંની લોન્ડરિંગ કરી રહી હતી. અમે અન્ય રાજ્યો સાથે સંકલન કરી રહ્યા છીએ જ્યાં સમાન એકાઉન્ટ્સનો ઉપયોગ થતો હતો." તમને જણાવી દઈએ કે, તમિલનાડુ, તેલંગાણા અને ચંદીગઢમાં સરખા બેંક ખાતાઓ સાથે સંકળાયેલી ફરિયાદો નોંધાઈ હોવાના અહેવાલ છે, જે સૂચવે છે કે આ કૌભાંડ દેશવ્યાપી હોઈ શકે છે.








