Get The App

ગાંધીનગર: યુવક ગુમ થવાના કેસમાં દુ:ખદ વળાંક, કારમાં સુસાઈડ નોટ, મૃતદેહ કડીમાંથી મળ્યો

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગર: યુવક ગુમ થવાના કેસમાં દુ:ખદ વળાંક, કારમાં સુસાઈડ નોટ, મૃતદેહ કડીમાંથી મળ્યો 1 - image


Gandhinagar News : ગાંધીનગર નજીક આવેલા સુઘડની વસાહતમાં રહેતો યુવાન બિલ્ડર ત્રણ દિવસ અગાઉ લાપતા થયા બાદ તેની કાર રાયપુર નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી અને તેમાં અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. જેના આધારે પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જોકે, આજે(28 જાન્યુઆરી) યુવકનો મૃતદેહ કડી કેનાલમાંથી મળી આવ્યો છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના યુવકનો મૃતદેહ કડીથી કેનાલમાંથી મળ્યો

મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન ગત 12 જાન્યુઆરીના રોજ થયા હતા. 25 જાન્યુઆરીના રોજ તે સાઇટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પતો લાગ્યો ન હતો. 

આ દરમિયાનમાં યુવકની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના મોબાઈલ અને રોકડ રકમની સાથે અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. આ મામલે પરિવારજનોએ ડભોડા પોલીસમાં યુવાનના ગુમ થવા અંગે જાણવાજોગ અરજી પણ દાખલ કરાવી હતી. જોકે ત્રણ દિવસથી લાપતા થઈ ગયેલા ઋષભનો કોઈ જ પતો લાગ્યો ન હતો. 

આજે બુધવારે કડી પાસેની નર્મદા કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા મૃતદેહ ઋષભનો હોવાનું જણાયું હતું. પરિવારની સાથે ઋષભ પણ છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયો હતો ત્યારે તેના અચાનક આમ આપઘાત કરી લેવાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. 

આ પણ વાંચો: "સ્કૂટર ખરીદવા પૈસા આપ નહીંતર વીડિયો વાઈરલ કરીશ..." અમદાવાદની મહિલા ઉદ્યોગપતિને મહેસાણાના શખસે આપી ધમકી

બીજી બાજુ યુવકે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં જાહેરમાં તેનો માર મારવામાં આવ્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ હાલ પરિવારજનોની ફરિયાદની રાહ જોઈ રહી છે. જેના આધારે જવાબદારો સામે આપઘાતના દુષ્પપ્રેરણનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.