Get The App

"સ્કૂટર ખરીદવા પૈસા આપ નહીંતર વીડિયો વાઈરલ કરીશ..." અમદાવાદની મહિલા ઉદ્યોગપતિને મહેસાણાના શખસે આપી ધમકી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
"સ્કૂટર ખરીદવા પૈસા આપ નહીંતર વીડિયો વાઈરલ કરીશ..." અમદાવાદની મહિલા ઉદ્યોગપતિને મહેસાણાના શખસે આપી ધમકી 1 - image


AI Image

Ahmedabad News : અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી અને વ્યવસાયે ઉદ્યોગપતિ 35 વર્ષીય મહિલાને તેના જ એક પરિચિત શખસે શારીરિક અડપલાં કરી, ગાળો આપી અને સોશિયલ મીડિયા પર અંગત તસવીરો વાઈરલ કરવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. સ્કૂટર ખરીદવા માટે ઉછીના પૈસા ન આપતા ઉશ્કેરાયેલા મહેસાણાના શખસે મહિલાને બદનામ કરવાનું કાવતરું રચતા આખરે મામલો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યો છે.

મિત્રતા બાદ ખંડણીનો ખેલ

પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર મુક્તિ (નામ બદલ્યું છે) ફેબ્રુઆરી મહિનામાં ઊંઝા ગઈ હતી, જ્યાં તેની મુલાકાત મહેસાણાના કિરણકુમાર રમેશભાઈ પટેલ (ઉં.વ.34) સાથે થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે ફોન અને સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ થઈ હતી. એપ્રિલ માસમાં જ્યારે કિરણ વ્યવસાયિક અર્થે અમદાવાદ આવ્યો ત્યારે બંને વચ્ચે નિકટતા વધી હતી.

તપાસ દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે કિરણ પરણીત છે અને તેને બે બાળકો પણ છે. તેમ છતાં તેમની વચ્ચે વાતચીત ચાલુ રહી હતી અને આ સમયગાળા દરમિયાન મોબાઈલ ફોનમાં કેટલીક અંગત તસવીરો અને વીડિયો પણ લેવામાં આવ્યા હતા.

સ્કૂટર માટે પૈસા માંગ્યા, ન મળતા મારપીટ કરી

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડિસેમ્બર માસમાં કિરણ પટેલે મહિલા પાસે એક્ટિવા સ્કૂટર ખરીદવા માટે નાણાંની માંગણી કરી હતી. મહિલાએ પોતાની પાસે પૈસા ન હોવાનું કહી ના પાડી દેતા કિરણ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલા સાથે બે-ત્રણ વાર ઝઘડો કરી શારીરિક હુમલો પણ કર્યો હતો. 7 જાન્યુઆરીના રોજ ફરી પૈસા માંગતા મહિલાએ મચક ન આપતા કિરણે ધમકી આપી હતી કે, "હવે તું જો હું તારી સાથે શું કરું છું."

આ પણ વાંચો: ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી

ફોટા-વીડિયો વાઈરલ કરવાની ધમકી

16 જાન્યુઆરીના રોજ રાત્રે 10:30 વાગ્યે કિરણે મહિલાના વોટ્સએપ પર બંનેના અંગત ફોટા મોકલી ધમકી આપી હતી કે, જો પૈસા નહીં આપે તો આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર તેમજ તેના મિત્ર વર્તુળમાં વાઈરલ કરી દઈશ. આ ધમકીથી ડરી ગયેલી મહિલાએ આખરે હિંમત ભેગી કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વસ્ત્રાપુર પોલીસે કિરણ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનાહિત ધમકી, હુમલો અને ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.