Ashok Bishnoi Firing Case: 30 ડિસેમ્બરની સાંજે શું થયું? કેવી રીતે ખૂંખાર આરોપી અશોક બિશ્નોઈએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પગમાં ગોળી ખાધી, જેનો ઘટનાક્રમ હવે જાહેર થયો છે. 24 ડિસેમ્બર, 2025 અને 1 જાન્યુઆરી, 2026ની વચ્ચે અશોક બિશ્નોઈને પકડવા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો હેતુ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને શોધી જેલના સળિયા પાછળ ધકેલવાનો હતો. આસામમાં છુપાયેલો અશોક બિશ્નોઈ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) અને પ્રતિબંધ અધિનિયમ હેઠળ નોંધાયેલા અનેક કેસોમાં મુખ્ય આરોપી છે અને એક વર્ષથી વધુ સમયથી 27થી વધુ કેસોમાં ફરાર હતો.
બાતમી મળી અને SMCની ટીમો રવાના થઈ
25000 હજારના ઈનામી આરોપીને શોધવા ટીમો દિવસરાત કામ કરી રહી હતી. SMCને ટેકનિકલ અને બાતમીને આધારે માહિતી મળી હતી કે રાજસ્થાનના જાલોર જિલ્લાના ચિતલવાના તાલુકાના સંગડવા ગામનો રહેવાસી અશોક પુનમારમ પંવાર ઉર્ફે બિશ્નોઈ, આસામના ગુવાહાટીના દિસપુરમાં છુપાયેલો છે. તાત્કાલિક SMCની ટીમો સક્રિય થઈ આસામ જવા રવાના થઈ હતી.
અશોક બિશ્નોઈ અને બે સાગરીતો ગુવાહાટીમાંથી ઝબ્બે
સ્થાનિક દિસપુર પોલીસની મદદથી 29 ડિસેમ્બરની વહેલી સવારે અશોક બિશ્નોઈ અને અન્ય બે શંકાસ્પદોની ગુવાહાટીની એક હોટલના રૂમ નંબર, 1304 માંથી ધરપકડ કરવામાં આવી હતી. કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી એટલે કે (ટ્રાન્સીટ રિમાન્ડ) મેળવ્યા બાદ આરોપીઓને ખાનગી વાહનોમાં ગુજરાત લઈને નીકળી હતી.
30 ડિસેમ્બરની સાંજે કારમાં શું થયું હતું?
ગાંધીનગર લઈને આવતા સમયે 30 ડિસેમ્બરની સાંજે 7.45 વાગ્યે જ્યારે ટીમ દાહોદ જિલ્લાના સેવિયા ગામ નજીક લીમડી-લીમખેડા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપીએ અચાનક કથિત રીતે ડ્રાઇવરનો સીટ બેલ્ટ પકડીને PSIના ગળામાં નાખી દીધો હતો અને ગળું દબાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. . પોલીસ ટીમ દ્વારા તેને રોકવાના વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આખરે સ્વબચાવમાં હાજર ઇન્સ્પેક્ટરે સર્વિસ પિસ્તોલથી અશોક બિશ્નોઈના પગ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીને જમણા પગમાં પગની ઘૂંટી નીચે ગોળી વાગતા PSIના ગળામાં નાખેલો સીટ બેલ્ટ છોડી મૂક્યો હતો. ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે હાલમાં પોલીસ કસ્ટડીમાં સારવાર હેઠળ છે.
આરોપી સામે નવી કલમો લગાવાઈ
આ ઘટના બાદ, ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ 31 ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં એક નવો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં હત્યાનો પ્રયાસ, જાહેર સેવક પર હુમલો અને સત્તાવાર ફરજમાં અવરોધ સંબંધિત કલમો લગાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ ચાલુ છે, અને આરોપીને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. દારૂ સિન્ડિકેટ અને ફરાર ગુનેગારો પર વધુ લગામ કસવામાં આવશે.


