Gandhinagar News: ગાંધીનગર કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ચાર શખસ સામે ફરિયાદ નોંધાઈ છે. ઇન્ફોસિટી પોલીસ મથક મૃતકના પિતા પ્રવીણભાઈએ દાખલ કરેલી ફરિયાદમાં ચાર શખસોનો નામજોગ ઉલ્લેખ છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ મૃતક ઋષભના સસરાના ઓળખીતા છે અને પૈસાની લેવડ દેવડમાં બે ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક હેરાનગતિ કરાતા ઋષભે અંતિમ પગલું ભર્યું હતું. ચાર આરોપીઓમાંથી એક મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે મહિપાલસિંહ નામના એકની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે.
કારની ડેકીમાંથી સુસાઈડ નોટ મળી
ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન ગત 12 જાન્યુઆરીના રોજ થયા હતા. 25 જાન્યુઆરીના રોજ તે સાઇટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પતો લાગ્યો ન હતો. આ દરમિયાનમાં 26 જાન્યુઆરીના રોજ યુવકની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના મોબાઈલ અને રોકડ રકમની સાથે અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. 28 જાન્યુઆરી યુવકનો મૃતદેહ ઘરથી 39 કિલોમીટર દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. લગ્ન જીવનના 13 જ દિવસમાં જુવાનધોધ યુવકનું મોત થતાં પરિવાર આધાતમાં સરી પડ્યો છે.
ઋષભે લખેલી શબ્દ શ: સુસાઈડ નોટ
‘હું પટેલ રૂષભ પ્રવિણભાઈ આજે તારીખ 25 જાન્યુઆરીના 6.20 વાગે મારા હોશો હવાસમાં જણાવું છું કે, કલ્પેશભાઈ (તલાટી) (૨હેઠાણ- ધ નેકસ્ટ, કેરાહેજા રોડ તથા મુખ્ય માણસ મનિષ સ્પલેન્ડર (નાના ચિલોડા શીખર બંગ્લોઝ) તથા ક્રિઝાલ બેવરલી તથા મહિપાલ બેવરલી. આ દરેક વસ્તુમાં હુ કંટાળ્યો છું, છેલ્લા છ દિવસથી મને માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. આમાં મુખ્ય માણસ કલ્પેશભાઈ (તલાટી) તથા મનિષભાઈ સ્પલેન્ડરે મને ધાક ધમકી આપી ઢોર માર માર્યો હોવાથી હું આ પગલું ભરૂં છુ. આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને આ લોકોને આજીવન સજા થાય તેવી કોશિશ થવી જોઇએ. કેમ કે હું મારૂ જીવન વગર વાંકે પુરૂં કર્યું છે અને આ મારી આટલી ખરાબ દુવા લાગશે કે તમારી સાત પેઢી પર સુખ નહી જોવે અને આ લોકોને બહુ જ ખરાબ હાલત થવી જોઇએ. હેલી બેટા (પત્ની) ખુશ રહેજે મને તારાજ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે એમને સજા અપાવજે.
કલ્પેશભાઈ (તલાટી)એ અત્યાર સુધી શાંતિથી વાત પતાવી હોત તો અત્યારે બધુ પતી ગયું હોત. પરંતુ એમને મનિષભાઈ સ્પલેન્ડરને શું ક૨વા વચ્ચે લાવવા પડે? મને બજાર વચ્ચે માર્યો છે તો મને કોઇ વ્યવહારીક અધિકારીઆનો પી.એસ.આઈ, પી.આઈ હશે તો આમને બધાને બજાર વચ્ચે મારવામાં આવે તો મારી આત્માને શાંતિ મળશે. કેમ કે આ બધા ચિલોડામાં રહીને આજ ધંધો કરે છે. સારા માણસ છોકરાને જોઈને બસ મારી નાખવાની ધમકી આપે છે જેથી હુ કંટાળી આ પગલું ભરૂં છું. મામાને મારા તરફથી સતકેવલ સાહેબ, પપ્પાને જય વલ્લાવાળા દેવ, મમ્મીને જય વલ્લાવાળા દેવ, આર્યનને જય વલ્લાવાળા દેવ, હેલીને જય જોગણીમાં, દાદાને જય શ્રી રામ, દાદીને જય શ્રી રામ, હરી ઓમ'
ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ
-કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ
-મનીષ ઉર્ફે સ્પલેન્ડર સોમાભાઇ પટેલ (પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો)
-ક્રિશાલ અરવિંદભાઇ ઉર્ફે વિકમભાઇ પટેલ
-મહિપાલસિંહ
એક આરોપી ઝડપાયો, 3ની શોધખોળ
ઇન્ફોસિટી પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ ઋષભના સસરાને જાણે છે. રૂપિયાની લેવડ દેવડમાં તેઓ ઋષભને હેરાન કરતાં હતા. આરોપીઓમાંથી એક મનીષ ઉર્ફે સ્પલેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો છે. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ એક આરોપી મહિપાલસિંહની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય ત્રણ આરોપીને ઝડપી લેવા યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.


