Navneet Baldhia Assault Case : મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા. સમગ્ર કેસ મામલે તપાસ માટે SITની રચના કરાઈ છે.
બગદાણા કેસમાં SITની રચના
ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની આજે(5 જાન્યુઆરી) બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળીયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા હતા. બેઠક બાદ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા કેસ મામલે ન્યાયિક તપાસની માગને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ગાંધીનગરમાં રજૂઆત બાદ સમગ્ર કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ( SIT)ની રચના કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાતે આઠ શખ્સોએ યુવક પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જે બાદ આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવકે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે મહુવાના ઇન્ચાર્જ DYSPએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો હતો.
માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ
મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

પોલીસ સામે પણ કેમ છે રોષ?
નોંધનીય છે કે સમગ્ર કેસમાં પીડિતે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજનો દોરીસંચાર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે PI અને DYSPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી ક્લીનચીટ આપી હતી.

8 આરોપીની ધરપકડ, પોલીસે કરાવ્યું રિકન્ટ્રક્શન
બગદાણાના નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાના મામલે પોલીસે તાત્કાલિક આઠ લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, બગદાણા પોલીસ દ્વારા આઠ શખ્સો ઘટનાસ્થળે લઈ જઈ પંચનામુ કરી ધરપકડ કરી હતી અને રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડા તમામ આરોપીઓનું પોલીસે રિકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

PI ડાંગરની બદલીનો આદેશ
જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતાં હોવાથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બગદાણાના PI ડી વી ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા.


