કાળજું કંપાવી દેનારી ઘટના: ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ! 'ભૂત આવ્યું' કહીને રડી પડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News: રાજ્યમાં ફરી એકવાર હવસખોરોની વિકૃત માનસિકતાનો ભોગ એક માસૂમ બાળકી બની છે. ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. બાળકી રાત્રે શૌચક્રિયા માટે જાગી ત્યારે અંધારાનો લાભ લઈને એક નરાધમે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.
અંધારાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકી રાત્રે ઊંઘમાંથી જાગીને શૌચક્રિયા માટે જઈ રહી હતી, ત્યારે જ અંધારામાં છુપાયેલા એક હવસખોરે તેને ઝડપી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર કૃત્ય બાદ વિકૃત આરોપી બાળકીને તેના ઘર પાસે મૂકીને ભાગી ગયો હતો.
'ભૂત આવ્યું', કહી ડરેલી બાળકી દાદી પાસે પહોંચી
ભયના માર્યા ગભરાયેલી બાળકી રડતાં રડતાં તેની દાદી પાસે પહોંચી હતી. માસૂમ બાળકી ડરને કારણે શું બન્યું તે કહી શકી નહોતી, પણ માત્ર એટલું જ કહ્યું કે, 'ભૂત આવ્યું હતું' અને ત્યાર બાદ તે જઈને સૂઈ ગઈ હતી. બાળકીના આ શબ્દોએ ઘટનાની ભયાનકતાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
દાદીને શંકા ગઈ, વસ્ત્રો લોહીથી લથબથ હતા!
બાળકીની દાદીને શંકા જતાં તેમણે તરત જ બાળકીની તપાસ કરી. તપાસ કરતાં જ તેમની આંખો પહોળી થઈ ગઈ; બાળકીના વસ્ત્રો લોહીથી ખદબદ હતા. આ દ્રશ્ય જોઈને દાદી પણ થોડા સમય માટે ગભરાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક પરિવારના અન્ય સભ્યોને જગાડી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
ડૉક્ટરે દુષ્કર્મ પુષ્ટિ કરી, પોલીસે 4 લોકોની અટકાયત કરી
હોસ્પિટલમાં ડૉક્ટરોએ બાળકીની તપાસ કરતાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ કરી હતી. હાલમાં પીડિત બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ પીડાદાયક ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હતી અને દુષ્કર્મીને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે હાલમાં શંકાના આધારે બાળકીના મામા સહિત ચાર લોકોની અટકાયત કરી છે. પોલીસે આ ચારેય વિરુદ્ધ ગુનો નોંધી ઊંડી પૂછપરછ શરૂ કરી છે. વધુમાં, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને પુરાવાઓ એકત્રિત કરી રહી છે. પીડિત બાળકીના માતા-પિતા વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હોવાથી તે તેની માતા સાથે પિયરમાં છાપરા વિસ્તારમાં રહેતી હતી.
આ પણ વાંચો: 'મારા પિતા પર વાત આવશે તો હું નહીં છોડું...', સગાઈ વિવાદમાં કિંજલ દવેએ તોડ્યું મૌન
સવાલ: હવસખોરોમાં પોલીસનો ડર ક્યારે આવશે?
જસદણ નિર્ભયાકાંડ જેવી ઘટના બાદ ગાંધીનગરમાં બનેલી આ ઘટના સમાજ અને તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. હસતી-રમતી બાળકીની આ દશા કરનારા નરાધમોની વિકૃત વિચારધારા ક્યારે ખતમ થશે? લોકોમાં ઉગ્ર માંગ છે કે, આવા જઘન્ય કૃત્ય આચરનારાને કડકમાં કડક સજા, એટલે કે ફાંસીની સજા થવી જોઈએ, જેથી આવા નરાધમોનો સભ્ય સમાજમાંથી કાયમ માટે અંત આવે અને ફરી કોઈ માસૂમ બાળકી તેનો શિકાર ન બને.









