'મારા પિતા પર વાત આવશે તો હું નહીં છોડું...', સગાઈ વિવાદમાં કિંજલ દવેએ તોડ્યું મૌન

Kinjal Dave Engagement Controversy: ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં પોતાના લગ્ન જીવનના નવા પડાવ અને સગાઈને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો પર મૌન તોડ્યું છે. કિંજલ દવએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સંદેશ દ્વારા તેમણે અસામાજિક તત્વો અને ટીકાકારોને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.
વાત મારા પિતા સુધી પહોંચી એટલે બોલવું પડ્યું
કિંજલ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેમના સગપણને લઈને મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ તેઓ અત્યાર સુધી શાંત હતા કારણ કે વાત માત્ર તેમના સુધી સીમિત હતી. જોકે, હવે જ્યારે વાત તેમના પરિવાર અને પિતાના સ્વાભિમાન પર આવી છે, ત્યારે એક દીકરી તરીકે સહન કરવું મુશ્કેલ છે અને એટલે જ તેમણે આજે બોલવાનો નિર્ણય કર્યો છે.
કુરિવાજો અને અસામાજિક તત્વો પર પ્રહાર
સમાજના કહેવાતા ઠેકેદારો પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, 'આધુનિક જમાનામાં પણ અમુક અસામાજિક તત્ત્વો દીકરીઓ માટેના નિયમો નક્કી કરવા નીકળ્યા છે. દીકરીઓને ઉડવા માટે પાંખો મળી છે, પણ તેને કાપવાની વાતો થઈ રહી છે'. તેમણે બાળ લગ્ન, સાટા પ્રથા અને દીકરીઓના પૈસા લેવા જેવા કુરિવાજો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે એક તરફ દીકરીઓ આર્મી, નેવી અને વિજ્ઞાન ક્ષેત્રે દેશનું ગૌરવ વધારી રહી છે, ત્યારે બીજી તરફ તેમને ઘુંઘટમાં રાખવાની અને દબાવવાની માનસિકતા દુઃખદ છે.
ચીટિંગના આક્ષેપો પર સ્પષ્ટતા
પોતાના જૂના સંબંધો અને સગાઈ તૂટવા અંગે સ્પષ્ટતા કરતા કિંજલ દવેએ કહ્યું કે, જ્યારે મુસીબત આવી ત્યારે તેમણે નિર્ણય લીધો કે તેઓ એ સંબંધમાં નહીં રહે. તેમણે પોતાના પરિવાર માટે સ્ટેન્ડ લીધું છે અને જ્યારે પરિવાર પર વાત આવે ત્યારે તે કોઈને પણ છોડવા તૈયાર નથી. તેમણે પોતાના નવા સાસરિયાં પક્ષને ભક્તિમય અને સંસ્કારી ગણાવી, ત્યાં મળતા આદર અને પ્રેમ બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.
કાયદાકીય પગલાંની ચેતવણી
વીડિયોના અંતમાં તેમણે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, હવે પછી જો કોઈ તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કે અભદ્ર કમેન્ટ કરશે, તો તેઓ તે વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેશે. તેમણે શિક્ષિત સમાજને અપીલ કરી હતી કે દીકરીઓના શિક્ષણ અને પ્રગતિ માટે આવા તત્વોને સમાજમાંથી દૂર કરવા જોઈએ.

