Get The App

ગાંધીનગર: વલાદ ગામના ખેતરમાં લાઈટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડો, 10 ઝડપાયા, સંચાલક ફરાર

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગર: વલાદ ગામના ખેતરમાં લાઈટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડો, 10 ઝડપાયા, સંચાલક ફરાર 1 - image


Gandhinagar Gambling Racket: ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) લાલ આંખ કરી છે. ત્યારે વલાદ ગામની સીમમાં મધરાતે લાઈટના અજવાળે ધમધમતા જુગારધામ પર પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી 10 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ 17.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

LCBની સતત બીજી મોટી કાર્યવાહી

ગાંધીનગર LCB PIની ટીમે બુધવારે (28મી જાન્યુઆરી) જ વલાદ ગામમાં વિદેશી દારૂના મોટા કટિંગનો પર્દાફાશ કર્યો હતો. આ સફળતા બાદ તુરંત જ LCB PSIની ટીમે બાતમીના આધારે વલાદ ગામના ખેતરમાં રેડ કરી જુગાર રમતા શખ્સોને પકડી પાડ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, રૂ. 3.6 લાખમાં વેચાયેલું બાળક રેસ્ક્યૂ

મધરાતે ખેતરમાં જામી હતી મહેફિલ

પોલીસને બાતમી મળી હતી કે, વલાદ ગામના અજય વિનુજી ઠાકોરે મેંદ્રા રેલવે સ્ટેશન રોડ પર આવેલા પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો શરૂ કર્યો છે. બાતમીના આધારે પોલીસે મધરાતે ખેતરમાં ઘેરો ઘાલ્યો હતો. અંધારામાં લાઈટના અજવાળે જુગાર રમી રહેલા શખસોએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમે પીછો કરીને 10 શખસોને દબોચી લીધા હતા, જ્યારે સંચાલક અજય ઠાકોર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓની યાદી

•પ્રગ્નેશ કરણસિંહ બિહોલા (રતનપુર)

•લલિત કાળાજી ઠાકોર (વલાદ)

•વિશાલ બેચરજી ઠાકોર (વલાદ)

•બિપિન દશરથભાઈ (સીંગરવા, દસક્રોઈ)

•જગદીશ મહેશજી ઠાકોર (વલાદ)

•તુષાર જગદીશભાઈ ઠાકોર (શાહપુર)

•ભક્તિભાઈ બળદેવભાઈ વ્યાસ (વલાદ)

•અમરતજી ચેહરાજી ઠાકોર (કડાદરા)

•ગિરીશકુમાર ફકીરજી ઠાકોર (વજાપુરા)

•કિશન બિપિનભાઈ પટેલ (વલાદ)

પોલીસે કાર્યવાહી દરમિયાન જુગારીઓ પાસેથી 2.75 લાખ રૂપિયા રોકડ, ચાર લક્ઝરી વાહનો અને નવ મોબાઈલ ફોન મળીને કુલ 17,64,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

LCBએ તમામ આરોપીઓ વિરુદ્ધ ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં ફરાર આરોપી અજય ઠાકોરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર જેવા મહત્ત્વના વિસ્તારની આસપાસ પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.