ગાંધીનગરમાં માજી સૈનિકોનું 23મા દિવસે આંદોલન યથાવત્: મહારેલી યોજાઈ તે પહેલાં 50થી વધુની અટકાયત
Protest in Gandhinagar: ગુજરાતમાં માજી સૈનિકોનું આંદોલન આજે 23મા દિવસે પણ યથાવત્ રહ્યું છે. સરકારી ભરતીઓમાં અનામતનું ચોક્કસ પાલન થાય, તે મુખ્ય માંગણી સાથે માજી સૈનિકો છેલ્લા 23 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર બેઠા છે. તેમની માંગણીઓનું સુખદ નિરાકરણ ન આવતા, આજે (મંગળવારે) તેમણે મહારેલીનું આયોજન કર્યું હતું.
ગાંધીનગરમાં પોલીસની ઘેરાબંધી, અટકાયતનો દૌર શરુ
મહારેલીની પરવાનગી ન હોવાના કારણે, પોલીસે આંદોલનને અટકાવવાનો પ્રયાસ કર્યો. સત્યાગ્રહ છાવણીથી કોબા સર્કલ સુધી રેલી શરુ થાય તે પહેલાં જ 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી. હાલ સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો તહેનાત છે. રેલીને રોકવા માટે અધિકારીઓ સહિત 400 જેટલા પોલીસ જવાનોને વિવિધ સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગાંધીનગરના પ્રવેશ દ્વાર પર પણ વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું છે. આ આંદોલન અને પોલીસની કાર્યવાહીને કારણે ગાંધીનગરના વાતાવરણમાં તણાવ જોવા મળી રહ્યો છે, જોકે માજી સૈનિકો તેમની માંગણીઓ પર મક્કમ છે.
માજી સૈનિકોની આગેવાની કરી રહેલા જીતેન્દ્રને પોલીસ દ્વારા અગાઉથી ડીટેઇન કરી પોલીસ જગ્યા પર રાખવામાં આવેલા છે અને સત્યાગ્રહ છાવણીની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જિલ્લા પોલીસ અધિકારીઓ અને સલામતી શાખાની એક વિશેષ ટુકડી પણ મૂકી દેવામાં આવી છે. જે માજી સૈનિકો અને તેમના પરિવારને ડિટેઇન કરી રહી છે.
મુખ્ય માંગણીઓ
સતત 23મા દિવસે કરવામાં આવી રહેલા આંદોલનમાં માજી સૈનિકોની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકોને 10 ટકા અનામત આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિનિમમ પાસિંગ માર્ક્સ 40 રાખતા આજના નિવૃત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તેઓ લઘુતમ લાયકની પ્રક્રિયા દાખલ કરે અને સૈનિકોની જગ્યા પર સૈનિકોનો જ ભરતી કરે તેવી માગણી મૂકી છે.