Gandhinagar News : "ગૌ સેવા એ જ પ્રભુ સેવા" આ ઉક્તિને સાંતેજ ગામના પ્રગતિશીલ પશુપાલક મહેન્દ્રભાઈ પટેલે સાર્થક કરી બતાવી છે. 2012માં માત્ર 2 ગાયોથી શોખ ખાતર શરૂ થયેલી તેમની સફર આજે 80 ગાયોના વિશાળ પરિવાર અને મહિને 3 લાખ રૂપિયાની આવક સુધી પહોંચી છે. તેમની આ અદ્ભુત સિદ્ધિ બદલ રાજ્ય સરકાર દ્વારા તેમને 'ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક' તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
શોખથી શરૂઆત અને આજે 'મોડેલ તબેલો'
કલોલ તાલુકાના સાંતેજ ગામના મહેન્દ્રભાઈએ પરિવારને શુદ્ધ દૂધ મળે તે હેતુથી પશુપાલન શરૂ કર્યું હતું. આજે તેમના તબેલામાં 5 ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગીર સાંઢ સહિત 70 થી 80 ગાયો છે. પશુઓને માત્ર વ્યવસાય નહીં પણ પરિવાર માનતા મહેન્દ્રભાઈએ તબેલામાં ગાયો માટે પંખા અને કૂલરની પણ વ્યવસ્થા કરી છે, જેથી કાળઝાળ ગરમીમાં પશુઓને રાહત મળે.

કુદરતી સિક્યુરિટી ગાર્ડ: મરઘા દ્વારા જીવાત નિયંત્રણ
મહેન્દ્રભાઈના તબેલાની સૌથી મોટી વિશેષતા એ છે કે ત્યાં માખી કે જીવજંતુનો ઉપદ્રવ જોવા મળતો નથી. આ માટે તેમણે કોઈ દવાનો છંટકાવ કરવાને બદલે 15-20 મરઘા પાળ્યા છે. આ મરઘા તબેલાની આસપાસના કીટકોને ખાઈ જાય છે, જે પશુઓના સ્વાસ્થ્ય માટે કુદરતી સુરક્ષા કવચ પૂરું પાડે છે.
મહિને રૂ. 2.5 થી 3 લાખની આવક
મહેન્દ્રભાઈ આજે પશુપાલનમાંથી આર્થિક સમૃદ્ધિનું મોડેલ બન્યા છે:
દૂધ ઉત્પાદન: 20થી વધુ દૂધણી ગાયો દ્વારા રોજનું 120 લીટર થી વધુ દૂધનું ઉત્પાદન.
વેલ્યુ એડિશન: શુદ્ધ દૂધ ઉપરાંત ઘીનું વેચાણ.
આ પણ વાંચો: ગાંધીનગરમાં રોગચાળો: એક બાળકનું શંકાસ્પદ મોત, સિવિલમાં બેડ ખૂટી પડતા નવો વોર્ડ શરૂ કરાયો
વેસ્ટમાંથી બેસ્ટ
ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટ (અળસિયા ખાતર) બનાવીને અન્ય ખેડૂતોને વેચાણ. આ તમામ પ્રવૃત્તિઓ થકી તેઓ દર મહિને અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને બે પરિવારોને રોજગારી પણ પૂરી પાડે છે.
ગાયો માટે 'બેલેન્સ્ડ ડાયેટ'
ગાયોના સ્વાસ્થ્ય માટે તેઓ ચારામાં રજકો, ખોળ, કપાસિયા, ગોળ અને મકાઈનું વૈજ્ઞાનિક મિશ્રણ આપે છે. વિશેષ વાત એ છે કે, તેઓ ગાયોનો તમામ ચારો પોતાના જ ખેતરમાં પ્રાકૃતિક (કેમિકલ વગર) રીતે ઉગાડે છે.
જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે સન્માન
પશુ સંવર્ધન અને ગીર ઓલાદની જાળવણીમાં મહેન્દ્રભાઈના યોગદાનને બિરદાવતા ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રીના હસ્તે તેમને જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મહેન્દ્રભાઈની આ સફળતા આજે અનેક યુવાનો અને ખેડૂતો માટે પશુપાલન ક્ષેત્રે નવી આશા જગાડનારી છે.


