ગાંધીનગરમાં ગુમ થયેલી 9 વર્ષની બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી, 3 શંકાસ્પદની અટકાયત

Gandhinagar Crime News: ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રાયપુર ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ (12 નવેમ્બર) ગુમ થયેલી 9 વર્ષની બાળકીની ગુરૂવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાલ 3 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બાળકી ગત 12 નવેમ્બરના રોજ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. આ મામલે બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમની પુત્રીનું અપહરણ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
પોલીસ બાળકીની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે ઘરના પાછળના ભાગે આવેલી ઓસરીમાંથી એક શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. તપાસ કરતાં તેમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ પણ વાંચો: નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર એસપીઅને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. FSL ટીમ દ્વારા લાશ અને ઘટનાસ્થળ પરથી હત્યા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય કોણે અને કયા કારણોસર કર્યું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાલ 3 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

