નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા

Navsari News: નવસારી જિલ્લાના બીલીમોરા નજીક દેવસર ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ જ પોતાના બે માસૂમ બાળકોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટના મધરાતે દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી માતાને મધરાતે એક ભયાનક સપનું આવ્યું હતું. સપનામાં તેને કથિત રીતે 'તારા બાળકોને મારી નાખ' તેવો આદેશ મળ્યો હતો. આ ભયાનક સપનાથી જાગીને મહિલાએ તરત જ તેની બાજુમાં સૂઈ રહેલા પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું, જેના કારણે બંને માસૂમ બાળકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બંને બાળકોની ઉંમર આશરે 4 અને 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
આટલેથી જ ન અટકતા આ મહિલાએ ત્યારબાદ ઘરમાં હાજર તેના સસરાને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સસરાએ સમયસૂચકતા વાપરી ભાગી છૂટ્યા હતા, જેના કારણે તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો.
સસરાએ ઘરમાંથી બહાર નીકળીને બુમાબુમ મચાવી દેતા આસપાસના લોકો અને એપાર્ટમેન્ટના અન્ય રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ ઘરમાં જોયું તો બંને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા, અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈ હતપ્રભ થઈ ગયા હતા. તો બીજી તરફ લોકોનું ટોળું ભેગું થઇ જતાં મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં મહિલાને ગળે ફાંસો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. જોકે પોલીસે સૂચકતા વાપરી મહિલાનો જીવ બચાવી લીધો હતો અને તેને ઝડપી પાડી હતી. ઉલ્લેખનીય છે આ ઘટનાક્રમ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સાથે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, આરોપી માતાની અટકાયત કરી છે. પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ માતાની માનસિક સ્થિતિ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

