VIDEO: પાનમ ડેમમાં પાણીની આવક વધતાં નદીમાં પાણી છોડાયું, કાંઠાના 38 ગામમાં ઍલર્ટ
Panam Dam In Panchmahal: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ છે. અત્યાર સુધીમાં 11 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી રહ્યો છે. ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી ગણાતો પાનમ ડેમ પણ ભરાઈ ગયો છે. પાનમ ડેમમાંથી 9968 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના 38 જેટલા ગામોને ઍલર્ટ કરાયા છે.
પાનમ ડેમની જળસપાટી 125.05 મીટરે પહોંચી
મળતી માહિતી અનુસાર,પંચમહાલ જિલ્લાની જીવાદોરી ગણાતા પાનમ ડેમની જળસપાટી 125.05 મીટરે પહોંચી હતી. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પાનમ ડેમનો બે ગેટ 4 ફૂટ સુધી ખોલી દીધો હતો. જેના લીધે 9968 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડવામાં આવતા તંત્રએ ઍલર્ટ જાહેર કર્યું છે.
પંચમહાલ અને મહીસાગર જિલ્લાના નદીકાંઠા વિસ્તારમાં વસવાટ કરતાં લોકો માટે સાવચેતીના પગલાં લેવાયા છે. જેમાં શહેરા તાલુકાના 4, લુણાવાડા તાલુકાના 18, ખાનપુર તાલુકાનું 1 અને સંતરામપુર તાલુકાના 4 ગામોને ઍલર્ટ કરાયા છે. લોકો નદીના કિનારે ન જવાના અને જરૂરી સુરક્ષા ચેતાવણીનું પાલન કરવા તંત્રએ સ્પષ્ટ સૂચન કર્યું છે.