Get The App

સોમનાથ મંદિર લોકફાળાથી અને ટ્રસ્ટનાં માધ્યમથી બનાવવા ગાંધીજીએ સૂચવ્યું હતું

Updated: Jan 29th, 2024

GS TEAM

Google News
Google News
સોમનાથ મંદિર લોકફાળાથી અને ટ્રસ્ટનાં માધ્યમથી બનાવવા ગાંધીજીએ સૂચવ્યું હતું 1 - image


આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધીજીના અવનવાં સંભારણાં એડવોકેટ મિ.ગાંધી વેરાવળ કોર્ટમાં એક કેસ લડવા માટે આવ્યા હતા, ગાંધીજીના અસ્થિ રામધૂન સાથે ત્રિવેણીનાં પવિત્ર જળમાં પધરાવવામાં આવ્યા હતા

પ્રભાસપાટણ, : આજે ગાંધી નિર્વાણ દિન છે એ સમયે જે કેટલાક સંભારણાઓ સૌરાષ્ટ્રમાં સચવાયેલા છે તેમાંથી એક મહત્વની વાત એ છે કે સોમનાથ મહાદેવ શિવાલયના નવનિર્માણનો સરદારે સંકલ્પ લીધો ત્યારે ગાંધીજીએ સુચન કર્યુ હતું કે સોમનાથ મંદિર લોકફાળા અને ટ્રસ્ટના માધ્યમથી બનાવવામાં આવે એ ઇચ્છનીય છે. એ સુચનનો  સ્વીકાર  સરદારે પટેેલે કર્યો હતો અને એ  સમયથી આજે પણ સોમનાથ ટ્રસ્ટ કાર્યરત છે.

એક જમાને જયારે ગાંધીજી બહુ ચર્ચિત ન હતા થયા એ વખતે એડવોકેટની ભૂમિકામાં વેરાવળ આવ્યા હતા. એમણે વેરાવળની કોર્ટમાં વડિયા દરબારનો કેસ લડવા આવવું પડયું હતું. એ સાલ ૧૯૦૨ની હતી. ગાંધીજીએ ૧૯૧૫ની સાલમાં સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ભ્રમણ કર્યુ હતુ. જેમાં ગાંડલનો પણ સમાવેશ થાય છે. ગોંડલમાં એ સપરિવાર આવ્યા હતા. ગાંધીજીની પ્રતિભાથી ભાવ વિભોર બનેલા લોકોએ ગાંધીજી અને એમનો પરિવાર જે બગીમાં બેઠો હતો એ બગીના ઘોડા છોડાવીને લોકો બગીને પશુની જેમ ખેંચવા લાગ્યા હતા. પણ ગાંધીજીને એ ગમ્યું ન હતું અને અહિંસાના પુજારી ગાંધીજીએ કહ્યુ હતું કે મારા પ્રત્યે પ્રેમ વ્યકત કરવા લોકો પશુની જેમ મારી બગી ખેંચે એ વાજબી નથી. જો આ નહી અટકે તો અમે બગીમાં બેસશુ નહીં અને એ પછી જ લોકોએ ફરી બગીને ઘોડા જોડી દીધા હતા. 

ગાંધીજીને નરસિંહ મહેતા રચિત વૈષ્ણવ જન ભજન ખૂબજ ગમતું હતુું. આ ઉપરાંત બાળપણથી જ રામ નામ ખૂબજ ગમતું હતુ. મૃત્યુ પામ્યા ત્યારે પણ અંતિમ શબ્દો 'હે રામ ..' હતા. જયારે એમનું નિર્વાણ થયુ એ પછી એમનો અસ્થિ કુંભ કળશ તા.૧૨મી ફેબ્રૂઆરી ૧૯૪૮ના રોજ પ્રભાસપાટણ આવ્યો ત્યારે રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ.. અને ગાંધીજી અમર રહોના નારાઓ સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જિત કરાયા હતા.

આમ તો ગાંધીજીએ સત્યના પ્રયોગો રાજકોટમાં અભ્યાસકાળથી જ શરૂ કરી દીધા હતા. એ જયારે રાજકોટમાં ભણતા હતા એ વખતે એજ્યુકેશન ઈન્સપેકટર પરીક્ષા લેવા આવ્યા હતા અને અંગ્રેજીમાં કેટલ શબ્દ વિદ્યાર્થીઓને લખાવ્યો એ વખતે કલાસ ટીચરે એમને બુટની એડી અડાડીને આગળના વિદ્યાર્થીમાંથી જોઈને લખવા દુષ્પ્રેરણા કરી હતી પણ બાળ ગાંધીએ એ વાતનો અસ્વીકાર કર્યો હતો અને જેવું આવડતું હતું એવુ લખ્યું હતુ.

Tags :