ગંભીરા બ્રિજ દુર્ઘટના: લટકતી ટ્રક હજુ પણ એ જ હાલતમાં, સરકારના આદેશની અવગણના કે તંત્રની નિષ્ફળતા?
Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 9 જુલાઈના રોજ સર્જાયેલા આ દુર્ઘટના બાદ લટકી રહેલી ટ્રક ઉપર આજે પણ સૌ કોઇની નજર છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 10 દિવસ બાદ ટ્રકના માલિકની રજૂઆતને ધ્યાને રાખીને સરકારે ટ્રક ઉતારવાને લઈને તંત્રને આદેશ કર્યા હતા. જોકે, સરકારે આદેશ કર્યા છતાં બ્રિજ દુર્ઘટનાને 18 દિવસ બાદ પણ ટ્રકને ઉતારવામાં આવી નથી.
સરકારનો આદેશ છતાં ટ્રક ન હટાવી
તમને જણાવી દઈએ કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આજે પણ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહી છે. આ અંગે અઠવાડિયા પહેલા શિવમ રોડલાઇન્સના માલિક રામાશંકર ઇન્દ્રબહાદુર પાલે ટ્રક બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓ રજૂઆત કરી હતી.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે 18મો દિવસ છે, ત્યારે બ્રિજ પરથી ટ્રક હટાવવામાં ન આવતા માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે. તંત્રને ટ્રક માલિકે રજૂઆત કરી હતી. જ્યારે રાજ્ય સરકારે ટ્રકને બે દિવસમાં દૂર કરવા તંત્રને જણાવ્યું હતું, તેમ છતાં હજુ સુધી ટ્રક હટાવી નથી.