Get The App

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 'માત્ર ચાર ટાંકા આવ્યા હતા, જ્યુસ આપ્યા બાદ મોત થયું', પરિવારનો હોસ્પિટલ પર આરોપ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
ગંભીરા બ્રિજ દુર્ઘટના: 'માત્ર ચાર ટાંકા આવ્યા હતા, જ્યુસ આપ્યા બાદ મોત થયું', પરિવારનો હોસ્પિટલ પર આરોપ 1 - image


Vadodara News : વડોદરા અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે. આ કરુણ ઘટના બાદ રાજ્ય સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ દુર્ઘટનામાં ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતાં બોરસદના દહેવણ ગામના 45 વર્ષીય નરેન્દ્રસિંહ પરમારનું નિધન થયું છે. દુર્ઘટનામાં નરેન્દ્રસિંહને આંખની ઉપરના ભાગે ઈજા થતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. નરેન્દ્રસિંહના મોતને લઈને પરિવારે હોસ્પિટલ પર આરોપ લગાવ્યા હતા કે, 'નરેન્દ્રસિંહને જ્યુસ આપ્યા બાદ મોત થયું છે.'

પતિના મોતથી પત્નીનું હૈયાફાટ રુદન

ગંભીર બ્રિજ દુર્ઘટનામાં 19 મૃતકોના પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, ત્યારે આણંદના બોરસદ તાલુકાના દહેવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું આજે (11 જુલાઈ) સારવાર દરમિયાન નિધન થયું છે. પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્નીના હૈયાફાટ રુદનથી હોસ્પિટલમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગ્રામજને કરી સસ્પેન્ડેડ ઇજનેરની જાહેરમાં ઝાટકણી, વીડિયો વાયરલ

હોસ્પિટલની બેદરકારીથી થયું મોત: પરિવાર

દુર્ઘટના બાદ નરેન્દ્રસિંહની બે દિવસથી સારવાર ચાલી રહી હતી. જ્યારે નરેન્દ્રસિંહનું મૃત્યુ થતાં તેમના ભાઈ સિદ્ધાર્થ પરમારે એસએસજી હોસ્પિટલ ડૉક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, 'નરેન્દ્રને આંખની ઉંપરના ભાગે ઈજા થતાં માત્ર ચાર ટાકા આવ્યા હતા અને હોસ્પિટલના મેનેજમેન્ટના કહેવાથી અમે તેને દાડમનું જ્યુસ આપ્યું હતું. ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે. કાલે તે સારી રીતે વાતો કરતા હતા અને આજે આવું થયું છે. બીજું કે, અહીં ગરીબ દર્દીનું કોઈ ધ્યાન આપતું નથી.'

Tags :