ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગ્રામજને કરી સસ્પેન્ડેડ ઇજનેરની જાહેરમાં ઝાટકણી, વીડિયો વાયરલ
Gambhira Bridge Collapse: વડોદરા અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગંભીર દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ ચાલુ છે. આ કરુણ ઘટના બાદ રાજ્ય સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાંથી કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલાની એક આક્રોશિત ગ્રામજને જાહેરમાં ઝાટકણી કાઢી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમને ભાગી જવાની ફરજ પડી હતી.
આક્રોશિત નાગરિકનો રોષ
વાયરલ થયેલા વીડિયોમાં, એક ગ્રામજન સસ્પેન્ડેડ ઇજનેર નાયકાવાલાને ઘેરી વળીને તીખા સવાલો પૂછી રહ્યા છે. ગ્રામજન સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, "આ બ્લોક તૂટી ગયો છે તમને ખબર નથી? તમારી જવાબદારી નથી? લોકોના તમાશા જોવા અહીં આવો છો? ત્યારે તમને ભાન નથી હોતું."
આ દરમિયાન ઇજનેર નાયકાવાલાએ અકળાઈને "આવી રીતે વાત નહીં કરવાની" તેમ કહ્યું હતું. જેનાથી ગ્રામજન વધુ ઉશ્કેરાયા અને કહ્યું, "કેમ વાત નહીં કરવાની? લોકોના જીવ ગયા છે, તમારો કોઈ દીકરો મરી ગયો છે? ત્રણ વર્ષ પહેલાં તમારે આવવાનું હતું હવે ખાલી હોશિયારી મારવા નહીં આવવાનું. તમારા ભ્રષ્ટ અધિકારીઓના કારણે આજે આ ઘટના બની છે. ગામના લોકો મરી જાય ત્યારે કોઈ આવતું નથી અને તમે સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરતા નથી." આ વીડિયોમાં નાયકાવાલાને નાગરિકોના ટોળાથી દૂર ભાગવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે, જે દર્શાવે છે કે ઘટના સ્થળે લોકોનો રોષ કેટલો વ્યાપક હતો.
જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ, અન્ય પુલોની તપાસના આદેશ
રાજ્ય સરકારે આ દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યા છે. જેમાં કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ. સી. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર આર. ટી. પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી. શાહનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ રાજ્યના અન્ય પુલોની સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ આપી છે.
આરોગ્યમંત્રીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી
દરમિયાન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની એસ. એસ. જી. હોસ્પિટલ ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ દુર્ઘટનાએ રાજ્યમાં પુલોના નિર્માણ અને જાળવણીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.