Gujarat

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી

By GS TEAM
10 Jul 20253 mins read
TukuTouch Logo
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે (નવમી જુલાઈ) તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. ત્યારે કમિટી આજે સાંજ સુધીમાં પ્રાથમિક રોપિર્ટ સોંપે તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી
Images Sourse: IANS

Gambhira Bridge Collapse: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે (નવમી જુલાઈ) તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. ત્યારે કમિટી આજે સાંજ સુધીમાં પ્રાથમિક રિપોર્ટ સોંપે તેવી શક્યતા છે. બીજી તરફ આજે(10 જુલાઈ, 2025) ગંભીરા બ્રિજ મામલે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના 1 એક્ઝીક્યુટીવ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર અને 1 આસિસ્ટન્ટ એન્જિનિયરને તત્કાલ અસરથી ફરજમુક્ત કરાયા છે.


ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વની બેઠક યોજી

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા સીએમએ અધિકારીઓને સૂચના આપી છે. 


આજે વહેલી સવારથી જ એનડીઆરએફ સહિતની ટીમોની શોધખોળ 

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના બીજા દિવસે (10મી જુલાઈ) વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. માર્ગ અને મકાન વિભાગની આ તપાસ સમિતિમાં મુખ્ય ઇજનેર સી. પટેલ અને એન. કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ. બી. દેસાઈ ઉપરાંત એન. વી. રાઠવા પણ જોડાયા છે.


બીજી તરફ વહેલી વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહી રાતભર પડાવ નાખ્યો હતો.એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. આ ઉપરાંત તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.


વર્ષ 2024માં બ્રિજનું સમારકામ રૂ.1.18 કરોડમાં થયું હતું 

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ 40 વર્ષ જૂનો છે અને ખખડધજ થઈ ગયો હતો. તેના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કામ સમયાંતરે થતું હતું. ગંભીરા બ્રિજનું સમારકામ ગયા વર્ષે 1.18 કરોડ રૂપિયાના ખર્ચે જૂનમાં જ કરવામાં આવ્યું  હતું. દર વર્ષે સમારકામ માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હતો તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મહી નદી પરના આ બ્રિજનું નિર્માણ વર્ષ 1985માં થયું  હતું. આ બ્રિજ ભરુચ જિલ્લામાંથી તેમજ મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગો માટે મહત્ત્વનો હતો. વાહનોની અવરજવરથી આ બ્રિજ સતત ધમધમતો રહેતો હતો. છેલ્લા 10 વર્ષથી બ્રિજની હાલત ખખડધજ થવા આવી હતી અને વારંવાર તેને રિપેર કરવાની ફરજ પડતી હતી.


આ પણ વાંચો: બ્રિજની સ્થિતિ અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટને ગુમરાહ કરી, ચીફ જસ્ટિસે કહ્યું હતું- ચોમાસામાં સાવધાની રાખજો

રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે 'આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેક વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.'


કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાય જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું હતું કે 'વડોદરા જિલ્લામાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. પ્રધાનમંત્રી રાહત ફંડ(PMNRF)માંથી મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂપિયા 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 50,000ની સહાય પૂરી પાડવામાં આવશે.'